સુરત : ‘હું ભગવાન પાસે જવા માંગુ છું,…’નું લખાણ કરી યુવતીનો આપઘાત

Files Photo
સુરત: શહેરમાં વધુ ફરી એકવાર આપઘાતની ઘટના સામે આવી છે. કતારગામમાં રહેતી યુવતીએ સગાઇના ૧૫ દિવસ પહેલા જ, ‘હું ભગવાન પાસે જવા માંગુ છું, મારા પગલા પાછળ કોઈ જવાબદાર નથી’ તેવી સ્યુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જાે કે યુવતીએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કતારગામની યુવતીએ સગાઈ પહેલા જ ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને યુવતીએ લખેલી સ્યુસાઈડ નોટ કબજે કરી હતી. જેમાં યુવતીએ ‘હું ભગવાન પાસે જવા માગું છું, મારા મોત માટે કોઇ જવાબદાર નથી, હું મારી મરજીથી આ પગલું ભરુ છું.’ એવું લખાણ કર્યું હતું. જેને લઈને પોલીસ પણ અચંબામાં મુકાઈ ગઈ હતી.
ઘટના વિગતે જાેઈએ તો, મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તરેડા ગામના વતની અને હાલ કતારગામ રમણનગર સોસાયટીમાં રહેતા જશુભાઈ પાંડવ મજૂરી કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. જેમાં મોટી પુત્રી ભક્તિ ધોરણ-૧૦માં અભ્યાસ કર્યા બાદ છેલ્લા બે વર્ષથી ઘરે જ છે. અને માતાને ઘરકામમાં મદદ કરતી હતી.
દરમિયાન ગઈકાલે બપોર બાદ ભક્તિએ ઘરે લોખંડની એંગલ ન પાસે સાથે કપડું બાંધી ફાંસો ખાઈ લીધો હતો.પરિવારના જણાવ્યા પ્રમાણે ભક્તિની મરજીથી જ એક મહિના પહેલા સગાઈની વાત ચાલી રહી હતી. પખવાડીયા બાદ તેની સગાઇ થવાની હતી. જાેકે તેણે સગાઇ પહેલા જ કયા કારણોસર પગલું ભર્યું તે જાણી શકાયું નથી.પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, ભક્તિએ આત્મહત્યા કરતા પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં “હું મારી મરજીથી પગલું ભરૂ છું” આ પગલાં પાછળ કોઈ જવાબદાર નથી. હું ભગવાન પાસે જવા માંગુ છું. પોલીસે સ્યુસાઇડ નોટ લઈ તપાસ હાથ ધરી છે.