સુવાના શેડ્યુલના કારણે ભૂલવાની બીમારી થઈ શકે
નવી દિલ્હી: અનેક લોકો ભૂલવાની તકલીફથી પીડાય છે. સામાન્ય રીતે નાની-નાની વાતો ભૂલવાની ટેવ લાંબા ગાળે ગંભીર બીમારી નોંતરે છે. કેનેડાની યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના સંશોધક માર્ક બૌલોસના અભ્યાસ પરથી જાણવા મળ્યું ભૂલવાની તકલીફ પાછળ વ્યક્તિનું સુવાનું શેડ્યુલ જવાબદાર હોઈ શકે છે. આ અભ્યાસ મુજબ જે લોકોને સૂતી વખતે શ્વાસ વારંવાર ખોરવાતો હોય, તેમની યાદશક્તિ અને વિચારવાની શક્તિ સામે તકલીફ ઊભી થાય છે. સારી ઊંઘ મગજ માટે ફાયદાકારક છે અને રચનાત્મક કુશળતામાં સુધારો કરી શકે છે. સંશોધક માર્ક બૌલોસે જણાવ્યું હતું કે, અમને એવું પણ જાણવા મળ્યું છે કે સુવાની તકલીફ ધરાવતા લોકોના વિચાર અને મેમરી પરીક્ષણો પર ઓછા સ્કોર્સ હતા.
ઊંઘમાં અવરોધથી શુ માનસિક અસર થાય છે તે જાણવું જરૂરી છે. કારણ કે, ઉપચાર કરવાથી વિચારસરણી અને યાદશક્તિ વધવાની તેમજ જીવનની ગુણવત્તા સુધારવાની સંભાવના છે. આ અભ્યાસમાં યાદશક્તિને લગતી તકલીફ હોય તેવા સરેરાશ ૭૩ વર્ષની વયના ૬૭ લોકો સામેલ હતા. અભ્યાસમાં ભાગ લેનારાએ ઊંઘ, સમજશક્તિ અને મૂડ અંગે પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમની તકલીફના સ્તરને નિર્ધારિત કરવા માટે ૩૦- ૩૦ પોઇન્ટથી મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં ફલિત થયું હતું કે અભ્યાસમાં ભાગ લેનાર ૫૨ ટકા લોકોને રાત્રે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જે લોકોને અનિદ્રાની તકલીફ હતી,
તેમાંથી ૬૦ ટકા લોકોને જ્ઞાનને લગતી પ્રક્રિયામાં ઓછો સ્કોર મળ્યો હતો. બીજી તરફ જેઓને સુવામાં તકલીફ નહોતી તેઓનો સ્કોર વધુ હતો. આ અભ્યાસ અમેરિકન એકેડેમી ન્યુરોલોજીની વાર્ષિક બેઠકમાં રજૂ થશે. જે ૧૭થી ૨૨ એપ્રિલ દરમિયાન વર્ચ્યુઅલ રીતે યોજાશે. વધુમાં સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે, ઊંઘમાં ખલેલ હોય તો ઊંઘની ગુણવત્તા ઉપર અસર પડે છે. જેમાં ઊંઘવાનો સમય પણ અસરકારક રહે છે.
વ્યક્તિ કેટલા સમયમાં સુઈ જાય છે, ઊંઘ કેટલી વધુ છે અને રાત્રે કેટલી વખત ઉઠે છે તેના ઉપર પણ આધાર રહે છે. માર્ક બૌલોસે વધુમાં જણાવ્યું હતું કે, સમજણશક્તિ સાથે ઊંઘના અવરોધને સીધો સંબંધ છે. જેનો ઉપચાર થઈ શકે છે. કેન્ટીન્યુઅસ પોઝિટિવ એરવે પ્રેસર (સીપીએપી) દ્વારા ઈલાજ થઈ શકે છે. જેનાથી રાત્રે હવા માટે રસ્તો ખુલ્લો રહે છે. સીપીએપી પદ્ધતિનો ઉપયોગ રોજીંદો થઈ શકે છે. જાેકે, આ થેરાપીનો ઉપયોગ યાદશક્તિની તકલીફ ધરાવતા લોકો માટે પડકાર બની શકે છે.