સુશાંતના પિતાએ બીજા લગ્ન નથી કર્યા: સુશાંતના મામા

મુંબઈ, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને લઈને શિવસેનાના માઉથપીસ સામનામાં પાર્ટીના સાંસદ સંજય રાઉતે લખેલા લેખમાં આરોપ લગાવ્યો છે કે, સુશાંતના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. જેને સુશાંતે સ્વીકાર નહોંતા કર્યા. સુશાંતના પિતાના બે લગ્નની વાતની જ્યારે તપાસ કરવામાં આવી તો એ વાત ખોટી સાબિત થઈ. સુશાંતના મામા આર સી સિંહે અમારા સહયોગી એનબીટી ડોટ કોમ સાથે વાત કરતા કહ્યું કે, ‘સુશાંતના પિતાએ બે લગ્ન નથી કર્યા. સંજય રાઉત ખોટું બોલી રહ્યા છે.
સુશાંતના મામા આર સી સિંહે કહ્યું કે, ‘સંજય રાઉતે ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેના ઈશારે ખોટું નિવેદન આપ્યું છે. સંજય રાઉત આ પ્રકારની વાત કરીને તેમની છબિ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી વાત કહીને કોઈની છબિ ખરાબ કરવી શું સારી વાત છે.’ તેમણે કહ્યું કે, ‘બિહારમાં જે રહે છે તે બધા જાણે છે કે સુશાંતના પિતાએ એક જ લગ્ન કર્યા હતા.
હકીકતમાં સંજય રાઉતે સામનામાં લખેલા લેખમાં આરોપ લગાવ્યો હતો કે, સુશાંતનો પરિવાર એટલે કે પિતા પટણામાં રહે છે. પિતા સાથે સુશાંતના સંબંધો સારા ન હતા. પિતાએ બીજા લગ્ન કરી લીધા હતા, જેને સુશાંતે સ્વીકાર નહોંતા કર્યા. પિતા સાથે તેનો ભાવનાત્મક સંબંધ બાકી રહ્યો ન હતો. એ જ પિતાને હાથો બનાવીને બિહારમાં એક એફઆઈઆર નોંધાવાઈ તેમજ મુંબઈમાં થયેલા ગુનાની તપાસ માટે બિહાર પોલીસ મુંબઈ આવી છે.