સુશાંત કેસમાં CBIએ ચાર્જશિટ દાખલ કરી નથી
મુંબઈ: બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતને થોડા જ દિવસોમાં એક વર્ષ થશે. હજી સુધી સુશાંતના મોતનું રહસ્ય વણઉકેલાયેલું છે. આત્મહત્યા, મર્ડર કે પછી આત્મહત્યાની દુષ્પ્રેરણા, સુશાંતની મોતનું અસલી કારણ હજી સુધી જાણી શકાયું નથી. આ કેસની તપાસ સીબીઆઈ ઉપરાંત એનસીબી અને ઈડી પણ ચલાવી રહ્યું છે. આ કેસમાં સીબીઆઈ હજી સુધી કોઈ નિષ્કર્ષ પર નથી પહોંચી. ઈડીની તપાસમાં ડ્રગ્સ ચેટ સામે આવ્યા બાદ એનસીબીએ ઘણાં બોલિવુડ સેલેબ્સની પૂછપરછ કરવા ઉપરાંત ડ્રગ પેડલર્સની ધરપકડ પણ કરી છે. હાલમાં જ એનસીબીએ સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પીઠાનીની ધરપકડ કરી છે.
સુશાંતના મોતને એક વર્ષ થવા આવ્યું છે ત્યારે કેસની સ્થિતિ શું છે તે વિશે સ્વર્ગસ્થ એક્ટરના પરિવારના વકીલ વિકાસ સિંહે કહ્યું, સીબીઆઈ ચાર્જશીટ દાખલ કરવામાં કે બીજું કંઈ પણ ફાઈલ કરવામાં ઉતાવળ નહીં કરે જેનાથી તેની સામે જ સવાલ ઊભા થાય. તેઓ આ કેસમાં વિવિધ એંગલથી તપાસ કરી રહ્યા છે અને તેમાંથી એક મર્ડર પણ છે. સુશાંતની મોત હજી પણ રહસ્ય છે અને તેના વિશે કોઈ બેમત નથી. તમે જ્યાં સુધી આ રહસ્ય ના ઉકેલી દો ત્યાં સુધી અડધી-અધૂરી વાત કહેવાનો કોઈ અર્થ નથી.
આ જ કારણ છે કે સીબીઆઈ સમય લઈ રહી છે અને મને આશા છે કે જલદી જ કંઈક બહાર આવશે. એનસીબીએ કરેલી સિદ્ધાર્થ પીઠાનીની ધરપકડ પર વિકાસ સિંહે કહ્યું, મને આશા છે કે તેઓ રહસ્ય પરથી પડદો ઊંચકી શકશે અને તેઓ તેના પર કામ કરી રહ્યા છે. જ્યાં સુધી સિદ્ધાર્થ પીઠાનીની ધરપકડની વાત છે તો આ એક ‘પોએટિક જસ્ટિસ’ છે કે તેને કમ સે કમ જેલ તો થઈ.
અહીં ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ પીઠાની સુશાંત સિંહ રાજપૂતના ‘ડ્રીમ ૧૫૦’ પ્રોજેક્ટનો ભાગ હતો. કથિત રીતે સિદ્ધાર્થ જ એ વ્યક્તિ છે જેણે ૧૪ જૂન ૨૦૨૦ના રોજ સુશાંતને તેના બેડરૂમમાં પંખાથી લટકેલો જાેયો હતો. આ કેસમાં સીબીઆઈએ પણ સિદ્ધાર્થની પૂછપરછ કરી છે. વિકાસ સિંહે કહ્યું, હું લાંબા સમયથી કહેતો આવ્યું છે કે સિદ્ધાર્થની ધરપકડ થવી જાેઈએ.