સુશાંત સિંહે ૨૯ જૂનનો વર્ક પ્લાન તૈયાર કર્યો હતો
આત્મહત્યાની થિયરી પર ફરીવાર શંકા થાય છે-બહેન શ્વેતાએ વ્હાઈટ બોર્ડ પર સુશાંતે ૨૯ જૂનનો વર્ક અને મેડિટેશનનો પ્લાન બનાવેલો તેની તસવીર શૅર કરી
મુંબઈ, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની વિદાયને લગભગ બે મહિના થવા આવ્યા પણ અભિનેતાના સપનાઓએ હજી સુધી વિદાય નથી લીધી. અભિનેતા બહુ જ મહેનતી હતો અને તેના સપનાઓ બહુ ઊંચા હતા તે બાબત બહેન શ્વેતા સિંહ કિર્તીએ તાજેતરમાં કરેલા પોસ્ટ પરથી સમજી શકાય છે. તેમજ બહેનની આ પોસ્ટ બાદ અભિનેતાની આત્મહત્યા બાબતે ફરી એકવાર શંકા ઉત્પન્ન થઈ રહી છે. સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કિર્તી અવારનવાર સોશ્યલ મીડિયા પર ભાઈ સાથેની યાદો અને સપનાઓ પોસ્ટ કરતી જ હોય છે. તાજેતરમાં તેણે એક પોસ્ટ શૅર કર્યું છે
જેમાં સુશાંતે પહેલેથી જ આવનારા સમયની તૈયારી કરી લીધી હોવાનું જાણવા મળે છે. શ્વેતાએ વ્હાઈટ બોર્ડ પર સુશાંતે ૨૯ જૂનનો વર્ક અને મેડિટેશનનો પ્લાન બનાવેલો તેની તસવીર શૅર કરી છે. અભિનેતા ૨૯ જૂનથી જીવનમાં અનેક મોટા બદલાવ લાવવા માંગતો હતો. ધ્યાન ધરવાની અને વર્ક આઉટ કરવાની બાબત પર અભિનેતા ફોકસ કરવા માંગતો હતો.
આ વ્હાઈટ બોર્ડમાં સુશાંતે લખ્યું છે કે, ‘જલ્દી ઉઠવાનું અને પથારી બરાબર કરવાની. કન્ટેન્ટ વાળી ફિલ્મો અને સિરીઝ જાેવાની. ગિટાર શીખવું. વર્કઆઉટ. મેડિટેશન. પોતાના આસપાસની જગ્યા સાફ રાખવાની. શીખવું, પ્રેક્ટિસ કરવી અને રિપીટ કરવું. એ બધી વસ્તુઓ કરવી જેના વિશે ક્યારેય વિચાર્યું ન હોય. જે તમે વિચારો છો એ તમે કરો છો અને તમે જે કરો છો એ જ તમે છો.’ આ વ્હાઈટ બોર્ડની તસવીર સાથે શ્વેતાએ ભાઈ માટે ફરી એકવાર ન્યાયની અપીલ કરી છે.
શ્વેતા સિંહ કિર્તીના આ પોસ્ટ પછી ફરી એકવાર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાબતે પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે. સાથે જ ફૅન્સ શ્વેતાને આશ્વાસન આપી રહ્યાં છે કે અભિનેતાને ન્યાય મળશે. અભિનેતાની બહેન સતત ન્યયાની માંગણી કરી રહી છે. આ પહેલાં પણ તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ન્યાય આપવાનું કહ્યું હતું.