સુશાંત સિંહ કેસમાં ત્રીજી એજન્સી એનઆઈએ જોડાશે
૨૦૦૮માં મુંબઈમાં થયેલા આંતકી હુમલા બાદ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીની રચના કરવામાં આવી હતી
મુંબઈ, બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો મોત કેસ છેલ્લા ત્રણ મહિનાથી ચર્ચામાં છે. દેશની ત્રણ એજન્સીઓ સીબીઆઈ, ઈડી (પ્રવર્તન નિદેશાલય) અને એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો) સુશાંત સિંહ રાજપૂતના મોત કેસની તપાસ કરી રહી છે.
હવે વધુ એક કેંદ્રીય એજન્સી આ કેસ સાથે જોડાઈ શકે છે. એનઆઈએ (નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી) હવે સુશાંત કેસમાં જોડાય તેવી શક્યતા છે. આતંકવાદ સંબંધિત કેસોની તપાસ માટે આ એજન્સીની રચના થઈ હતી.
૨૦૦૮માં મુંબઈમાં થયેલા આંતકી હુમલા બાદ આ એજન્સીની રચના થઈ હતી. હવે હાલમાં જ એનઆઈએને ડ્રગ્સ સંબંધિત કેસોની તપાસ માટે મંજૂરી આપવામાં આવી છે.
જણાવી દઈએ કે, ડ્રગ્સના ખરીદ-વેચાણ મામલે આતંકી સંગઠનો સામેલ હોવાનું કહેવાય છે. ત્યારે ડ્રગ્સ કેસની પણ તપાસ કરવાની છૂટ મળ્યા બાદ આ એજન્સી સુશાંત સિંહ રાજપૂતના કેસમાં જોડાઈ શકે છે. સુશાંત કેસમાં ડ્રગ્સ લિંક સામે આવ્યા બાદ ઘણા બોલિવુડ સેલેબ્સના નામ બહાર આવી રહ્યા છે.
નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીને મંગળવારે જ ડ્રગ્સ સંબંધિત કેસોની તપાસ કરવાની છૂટ મળી હતી. આતંકવાદ સંબંધિત કેસોની તપાસ કરતી એનઆઈએને ગયા વર્ષે જ માનવ તસ્કરી, નકલી નોટો અને સાઈબર આતંકવાદના કેસોમાં તપાસ કરવાની છૂટ અપાઈ હતી. હવે ડ્રગ્સ સંબંધિત કેસમાં પણ તપાસની છૂટ આપવામાં આવી છે.
સુશાંત સિંહ રાજપૂત ૧૪ જૂન ૨૦૨૦ના રોજ પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. જે બાદ આ કેસમાં મુંબઈ અને પટના પોલીસ તેમજ ઈડી તપાસ કરતા હતા. લાંબા કાયદાકીય લડત બાદ સુપ્રીમ કોર્ટે સુશાંતના મોતનો કેસ સીબીઆઈને સોંપ્યો હતો.
દરમિયાન ઈડીને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીના જપ્ત કરાયેલા મોબાઈલમાંથી ડ્રગ ચેટ્સ મળી હતી. જે બાદ આ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની એન્ટ્રી થઈ હતી.SSS