સુશાંત સિંહ રાજપૂતના કેસમાં સુપ્રીમે અરજદારને હાઈકોર્ટમાં જવા કહ્યું
સીબીઆઈનો સ્ટેટસ રિપોર્ટ આપવાની અરજી ફગાવાઈ-પાંચ માસ થયા છતાં તપાસ એજન્સીએ કામગીરી પૂરી ન કરી હોવા સંદર્ભે પીઆઈએલ દાખલ કરાઈ હતી
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે બુધવારે બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં સીબીઆઈને સ્ટેટસ રિપોર્ટ સોંપવાના નિર્દેશ આપવાની માગ કરતી જાહેર હિતની અરજીને ફગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ એ બોબડે, જસ્ટિસ એ એસ બોપન્ના અને જસ્ટિસ વી રામાસુબ્રમણ્યની બેન્ચે વકીલ પુનિત કૌર ઢાંડા દ્વારા કરાયેલી પીઆઈએલને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે અમે આ અરજી પર ધ્યાન આપીશું નહીં, તમે હાઈકોર્ટ સમક્ષ જઈ શકો છો.
અરજી કરનાર વકીલે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં ૧૯ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. આ આદેશને પાંચ મહિનાથી વધુ સમય વિતી ગયો હોવા છતા તપાસ એજન્સીએ હજી કામગીરી પૂર્ણ કરી નથી. સીબીઆઈ જવાબદારીપૂર્વરક વર્તી રહી નથી અને એક્ટરના મોતની તપાસમાં અકારણ વિલંબ થઈ રહ્યો હોવાનું લાગી રહ્યું છે.
હત્યા જેવા ગંભીર ગુનામાં પણ કાયદા મુજબ ૯૦ દિવસમાં ચાર્જશીટ દાખલ કરવા માટેનો આગ્રહ વ્યક્ત કરાય છે. પરંતુ સુશાંત સિંહ રાજપૂતના કેસમાં શ્રેષ્ઠ તપાસ સંસ્થા તેની ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ ગઈ છે અને તપાસ પૂર્ણ કરવામાં વિલંબને પગલે દેશના ન્યાયતંત્રની છબિ ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખરાબ થઈ રહી છે. અરજીમાં સીબીઆઈને બે મહિનામાં તપાસ પૂર્ણ કરી તપાસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપવાનો નિર્દેશ આપવા જણાવાયું હતું.
સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ ૧૪ જૂન ૨૦૨૦ના રોજ તેના બાન્દ્રા સ્થિત ઘરેથી શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો. તેના ઘરનો દરવાજાે અંદરથી બંધ હતો અને તેની લાશ છત પરની હૂક પર લટકતી મળી હતી. મુંબઈ પોલીસની તપાસમાં શંકાસ્પદ મોત હોવાનું માલૂમ થયું હતું. સુશાંતના પરિવારે પોલીસ તપાસ પ્રત્યે અસંતોષ વ્યક્ત કરતા સીબીઆઈ તપાસની માંગ કરી હતી.