Western Times News

Gujarati News

સુશાંત સિંહ રાજપૂત કેસઃ ડોક્ટર પીએમ રિપોર્ટ ઉપર સહી કરવાથી ફફડી રહ્યા છે

સુશાંતનું જે હોસ્પિટલમાં પીએમ થયું ત્યાંના ફોન પણ સતત રણકી રહ્યા છે, હોસ્પિટલ બંધ કરી દેવાની લોકોની માગણી

મુંબઈ, સુશાંત સિંહના પીએમ રિપોર્ટ પર સહી કરનારા કૂપર હોસ્પિટલના પાંચ ડોક્ટર્સ પારાવાર હેરાનગતિનો ભોગ બની રહ્યા છે. આ ડોક્ટર્સને ટાર્ગેટ કરીને સોશિયલ મીડિયા પર કેમ્પેઈન ચલાવાઈ રહ્યું છે. પાંચેય ડોક્ટર્સના નામ, તેમના ફોન નંબર સહિતની વિગતો સોશિયલ મીડિયા પર ત્રણ દિવસથી ફરી રહી છે. જેના કારણે આ ડોક્ટર્સને લોકો ફોન તેમજ મેસેજ કરીને હેરાન કરી રહ્યા છે, ધમકી આપી રહ્યા છે.

જો કે આ માનસિક ત્રાસથી પાંચેય ડોકટર્સ એટલા ડરી ગયા છે કે તેઓ પોલીસ ફરિયાદ કરાવવા માટે પણ તૈયાર નથી. તેમને ભય છે કે જો ફરિયાદ કરી તો લોકો વધુ આક્રમક બનશે. એક ડોક્ટરે તો પોતાના ફેમિલી મેમ્બર્સને ખતરો હોવાનો પણ ડર વ્યક્ત કર્યો છે.

ટ્રોલર્સ આ ડોક્ટર્સે સુશાંત આપઘાતને કારણે મર્યો છે તેવો રિપોર્ટ બનાવી આપવા માટે બે કરોડ રુપિયા જેટલી મોટી રકમની લાંચ લીધી હોવાના પણ દાવા કરી રહ્યા છે. કલાકોમાં જ આ આક્ષેપો સાથેના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા હતા, અને તેમાં એક ડોક્ટરના ફેસબુક અકાઉન્ટના સ્ક્રીનશોટ્‌સ પણ અટેચ કરવામાં આવેલા હતા.

કેટલાક લોકોએ તો હોસ્પિટલમાં ફોન કરી પોતે આ ડોક્ટર્સના પેશન્ટ હોવાનો ડોળ કરી તેમના અલ્ટરનેટિવ નંબર પણ લઈ લીધા છે. ચોંકાવનારી વાત એ છે કે હોસ્પિટલના લેન્ડ લાઈન નંબર પર પણ ઢગલાબંધ લોકોના ફોન આવી રહ્યા છે, અને તેઓ સુશાંતના પીએમ રિપોર્ટ અંગે સવાલોનો મારો ચલાવી રહ્યા છે. હોસ્પિટલ સાથે ફોન પર થયેલી વાતના ઓડિયો રેકોર્ડિંગ પણ વ્હોટ્‌સએપ પર ધડાધડ શેર થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર લોકો આ પાંચેય ડોક્ટર્સનું લાઈસન્સ કેન્સલ કરવાથી લઈને હોસ્પિટલ બંધ કરવાની પણ માગ કરી રહ્યા છે. કેટલાક લોકો તો સરખું નામ ધરાવતા અન્ય ડોક્ટર્સના કોન્ટેક્ટ નંબર અને વર્ક પ્રોફાઈલની વિગતો પણ શેર કરી રહ્યા છે. કૂપર હોસ્પિટલના ડીન ડો. પિનાકિન ગુજ્જરે આ વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે પાંચ ડોક્ટર્સને ઓનલાઈન હેરાન કરવામાં આવી રહ્યા છે, અને તેમને લોકોના ફોન પણ આવી રહ્યા છે. પોતાને પણ લોકો ફોન કરી હેરાન કરતા હોવાનું જણાવી ડીને વધુ વિગતો આપવાનો ઈનકાર કરી દીધો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.