Western Times News

Gujarati News

સૂર્યગ્રહણના મોક્ષ બાદ મંદિરોમાં ઉત્થાપન અને આરતી-પૂજા થયા

અમદાવાદ: ૨૦૧૯ના વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ આજે થયું હતું. જેને લઈને આજે અમદાવાદ શહેર સહિત રાજયભરના મોટાભાગના તમામ મંદિરો બંધ રહ્યા હતા. ગ્રહણકાળ પૂર્ણ થયા બાદ બપોરે ૧૨-૦૦થી ૪-૦૦ વાગ્યા દરમ્યાન તબક્કાવાર રીતે રાજયના જુદા જુદા મંદિરોના પટ દર્શન માટે ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ દેવી-દેવતાઓની આરતી ઉતારવામાં આવી હતી અને વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

રાજયના કેટલાક મંદિરો તો, ગઇકાલે સાંજથી જ બંધ કરી દેવાયા હતા. સૂર્યગ્રહણના સમય દરમ્યાન લોકોએ મંત્રજાપ અને ઇશ્વર સ્મરણ કરી ગ્રહણની નકારાત્મ અસર ટાળવાનો ભકિતમય પ્રયાસ કર્યો હતો, આજના દિવસે દાન-પુણ્યનો ધોધ પણ વહેતો જાવા મળ્યો હતો. લોકોએ મોટી સંખ્યામાં મંદિરોમાં, ગરીબો-જરૂરિયાતમંદોને દાન-પુણ્ય કરી પુણ્યભાથુ બાંધ્યું હતું. ેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ આજે સવારે ભગવાન રણછોડજીના મંદિરના દ્વાર બંધ રહ્યા હતા. જે બપોરે ૧૧-૪૫ વાગ્યે મંદિરના ખુલ્યા હતા.

સૂર્યગ્રહણ સમાપ્ત થયા બાદ સમગ્ર મંદિર પરિસરને ધોવામાં આવ્યું હતું. ગ્રહણ દરમિયાન મંદિરમાં વિશેષ યજ્ઞ કરવામાં આવ્યો હતો અને બપોરે ૧૨ -૦૦ વાગે મંગળા આરતી કરવામાં આવી હતી. ૨૦૧૯ નું અંતિમ સૂર્યગ્રહણ આજે સવારે ૮-૦૪ કલાકથી પ્રારંભ થયો હતો અને ૧૦-૫૬ કલાકે મોક્ષ થયો હતો. સૂર્યગ્રહણને લઈને આજે અમદાવાદ શહેર સહિત રાજયભરના તમામ મંદિરોના દ્વાર બંધ રાખવામાં આવ્યા હતા અને સવારની આરતી પણ કરવામાં આવી ન હતી. સૂર્યગ્રહણનો સંપૂર્ણ મોક્ષ થયા બાદ એટલે કે, ગ્રહણકાળ ૧૧-૫૨ મિનિટે પૂર્ણ થયા બાદ બપોરે ૧૨-૦૦ વાગ્યાથી લઇ સાંજે ૪-૦૦ વાગ્યા દરમ્યાન વિવિધ મંદિરોમાં ઉત્થાપન આરતી કરવામાં આવી હતી.


અમદાવાદ શહેરની વાત કરીએ તે, નગરદેવી ભદ્રકાળીનું મંદિર ૧.૩૦ વાગ્યા સુધી બંધ રહ્યુ હતુ, બપોરે ૨-૦૦ વાગ્યે માતાજીના પટ ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભદ્રકાળી માતાજીની વિશેષ આરતી કરવામાં આવી હતી. શહેરનું ઇસ્કોન મંદિર પણ સવારે ૭-૦૦થી ૪-૦૦ વાગ્યા દરમિયાન બંધ રહ્યુ હતુ અને ત્યારબાદ દર્શનાર્થીઓ માટે દર્શન ખુલ્લા મૂકાયા હતા. જયારે ભાડજનું રાધેકૃષ્ણ મંદિર ૧-૩૦ વાગ્યા સુધી બંધ રહ્યુ હતુ,

એ પછી મંદિરના પટ શ્રધ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા હતા અને શ્રી રાધા-માધવની આરતી ઉતારવામાં આવી હતી. આ જ પ્રકારે એસજી હાઇવે પરનું વૈષ્ણોદેવી મંદિર બપોરે ૧૨-૦૦ વાગ્યા સુધી બંધ રહ્યુ હતું, એ પછી માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે ખૂલ્લું મૂકાયુ હતું. જયારે શહેરના નવાપુરાના બહુચર માતાજીનું મંદિર ૧-૩૦ સુધી બંધ રહ્યું હતું અને મણિનગર ગાદી સંસ્થાનમાં પણ ૧-૩૦ સુધી મંદિરનાં દ્વાર બંધ રહ્યા હતા, ત્યારબાદ આ મંદિરોના પટ ખોલી શ્રધ્ધાળુઓને દર્શન ખૂલ્યા મૂકાયા હતા.

શહેરના અંબાજી મંદિર, રાધાકૃષ્ણ મંદિર, લાંભવેલના હનુમાનજી મંદિર, જલારામ મંદિર, રણછોડજી મંદિર, દૂધેશ્વરના અતિપ્રાચીન શનિમંદિર સહિતના તમામ મંદિરોના દ્વાર ગઈકાલે સાંજે ૭-૦૦ વાગ્યાથી બંધ થઈ ગયા હતા અને આજે સાંજે ચાર વાગ્યા બાદ તમામ મંદિરોના દ્વાર ખોલવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.