સૂર્યા ઑફસેટમાંથી જ પેપર લીકની ગંગોત્રી વહે છે
અમદાવાદ, ફિલ્મી સ્ટોરીની જેમ હેડ ક્લાર્ક પેપર લીકના કૌભાંડો એક પછી એક બહાર આવી રહ્યા છે. જેમાં આરોપીઓના નામ ખૂલી રહ્યાં છે. ૧૨મી ડિસેમ્બરે યોજાયેલ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરી સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનાર પોલીસના દાવા મુજબનો મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ ગાંધીનગરમાંથી જ સોમવારે રાત્રે આઇ-૨૦ કાર સાથે મળ્યો હતો. આ વચ્ચે આખરે હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવાની સરકારે જાહેરાત કરી હતી.
પરંતુ પેપર લીક કાંડમાં સૂર્યા ઓફસેટ ફરી ચર્ચામાં છે. પેપર કાંડમાં સૂર્યા ઑફસેટના માલિક મુદ્રેશ પુરોહિત પર સકંજાે કસાતો જઈ રહ્યો છે. મુદ્રેશના કારનામાઓથી પેપર લીકનો સિલસિલો યથાવત છે. મુદ્રેશે ૨૦૧૫ માં રાજસ્થાનનું ક્લાસ ૧-૨નું પેપર લીક કર્યું હતું. મુદ્રેશના સૂર્યા ઑફસેટમાંથી જ પેપર લીકની ગંગોત્રી વહે છે તે સાબિત થઈ ગયુ હતું.
રાજસ્થાનની પેપર લીકની ઘટનામાં મુદ્રેશે કર્મચારીને બલીનો બકરો બનાવ્યો હતો. સૂત્રોનુ કહેવુ છે કે, કર્મચારીઓને આગળ ધરીને મુદ્રેશ છટકી જવામાં માહેર છે. સૂર્યા ઑફસેટના સુપરવાઈઝર કિશોર આચાર્યના પરિવારજનોએ દાવો કર્યો છે કે, અમને આમાંથી કોઈ પૈસા નથી મળ્યા. સૂત્રો પાસેથી મળતી માહિતીમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે.
અત્યાર સુધી આ કેસમાં ગણ્યાગાંઠ્યા જ આરોપીઓ ઝડપાયા છે. પરંતુ આગામી સમયમાં વિશિષ્ટ કમિટીની રચના બાદ પેપરલીક કેસમાં ૭૦થી વધુ આરોપીઓ સામે કાર્યવાહી થશે. જેમાં પેપર ખરીદનાર સામે આકરામાં આકરા પગલા લેવાશે. ૧૪થી વધુ આરોપીઓ પર ગુજસીટોક અંતર્ગત કાર્યવાહી કરાશે. ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કના પેપર લીકકાંડનો મામલે કોંગ્રેસ દ્વારા રાજકારણ શરૂ કરાયુ છે.
કોંગ્રેસના પ્રદેશ નેતા ડો.હેમાંગ વસાવડાએ કહ્યું કે, પેપર લીકકાંડમાં ગુજરાત પોલીસની ઔકાત નથી કે મુખ્ય આરોપીને પકડી શકે. માત્ર નાની માછલીઓની ધરપકડ કરી સંતોષ માની લીધો છે. રાજકોટ મનપાની પરીક્ષાઓ પણ આજ એજન્સીના પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર છપાયા હોવાની વિગતો જાણવા મળી છે.
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી ૧૦ જેટલી પરીક્ષાઓના પેપર લીક થયા છે. તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાએ કહ્યું કે, કમલમથી ગૌણ સેવા સુધી આ પેપર લીકકાંડના તાર જાેડાયેલા છે. ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરા રાજીનામુ આપે.SSS