સૂર્ય ઉર્જા સંગ્રહ પ્રોજેક્ટ સુજાણપુરની મુલાકાત લઇ G20ના પ્રતિનિધિઓ અભિભૂત થયા

ગાંધીનગર ખાતે યોજાઈ રહેલી G 20 વિજ્ઞાન સલાહકારોની પ્રતિનિધિઓએ સુજાણપુરા 6MW સૌર ઉર્જા પ્લાન્ટની મુલાકાત લીધી
મહેસાણા, ગાંધીનગર ખાતે 27 એપ્રિલથી 29 એપ્રિલ દરમિયાન G 20 મુખ્ય વિજ્ઞાન સલાહકારોની બીજી ગોળમેજી પરિષદ યોજાઇ રહી છે.. જે અંતર્ગત આ બેઠકમાં ઉપસ્થિત રહેલા ૬૦ જેટલા પ્રતિનિધિઓએ સુજાણપુરા સૂર્ય ઉર્જા પ્રોજેક્ટ ની મુલાકાત લીધી હતી.
G 20 મુખ્ય વિજ્ઞાન સલાહકારોની બીજી ગોળમેજી પરિષદના પ્રતિનિધિઓએ સુજાણપુરની મુલાકાત દરમિયાન સુજાણપુરા સાઇટની પ્લાન્ટ વીઝીટ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત પ્રતિનિધિઓનું ભાતીગળ સ્વાગત કરવામા આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છેકે સૂર્યમંદિર માટે પ્રખ્યાત મોઢેરા હવે સોલાર પાવર્ડ વિલેજ એટલે કે સૌર ઊર્જા સંચાલિત ગામ તરીકે ઓળખાયું છે.. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ 9 ઓક્ટોબર, 2022ના રોજ મોઢેરાને ભારતનું પ્રથમ (24 x 7) રાઉન્ડ ધ ક્લોક BESS સોલર પાવર્ડ વિલેજ જાહેર કર્યું હતું.
ભારત સરકાર અને ગુજરાત સરકારે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સાથે સંકલિત સોલાર પાવર પ્રોજેક્ટ દ્વારા મોઢેરાને 24 x 7 સોલાર એનર્જી પ્રદાન કરવા માટે મોઢેરાના સૂર્યમંદિરથી લગભગ 6 કિમીના અંતરે આવેલા મહેસાણાના સુજાણપુર ખાતે ‘મોઢેરા સૂર્ય મંદિર અને મોઢેરા નગરનું સોલરાઇઝેશન’ કર્યું છે..
ગુજરાત સરકારે આ પ્રોજેક્ટના વિકાસ માટે 12 હેક્ટર જમીનની ફાળવણી કરી હતી. આ પ્રોજેકટ માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા બે તબક્કામાં 50-50 ટકાના ધોરણે કુલ ₹80.66 કરોડની રકમ ખર્ચ કરવામાં આવી છે, એટલે કે પ્રથમ તબક્કામાં (ફેઝ-1) ₹69 કરોડ અને બીજા તબક્કામાં (ફેઝ-2) ₹11.66 કરોડ ખર્ચવામાં આવ્યા છે.
અહીં 1 KW ની 1300 થી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ ઘરો પર સ્થાપિત કરવામાં આવી છે. સોલાર પેનલ દ્વારા દિવસ દરમિયાન પાવર જનરેશન કરવામાં આવે છે જેનું સ્ટોરેજ થાય છે અને સાંજે, BESS સિસ્ટમ દ્વારા ઘરોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. જે અંગેની તમામ વિસ્તૃત માહિતી ડેલીગેશનને પૂરી પાડવામાં આવી હતી.
સુજાણપુરા સાઇટ પર દેશના સૌ પ્રથમ સૂર્ય ગામ મોઢેરા અંતર્ગત 05 મિનીટની ફિલ્મ દર્શાવવામાં આવી હતી. જે પ્રતિનિધિઓએ રસ પૂર્વક નિહાળી હતી. ત્યારબાદ સુજાણપુરા પ્રોજેક્ટ સાઈટ પર પ્રતિનિધિઓએ ફોટો સેશન કર્યું હતું. આ પ્રસંગે તમામ પ્રતિનિધિઓએ સુજાણપુરા પ્લાન્ટ સાઇટની ઝીણવપૂર્વક વિગતો મેળવી હતી.