સેચેલ્સમાં ચીનની વેક્સિન લીધા બાદ પણ કેસો વધ્યા
સેચેલ્સ: કોરોના સામેના જંગમાં વેક્સિનને સૌથી વધુ અસરકારક હથિયાર માનવામાં આવી રહ્યું છે. જાેકે, કેટલાક નાના દેશોમાં મોટા ભાગના લોકોને વેક્સિન આપવામાં આવી હોવા છતાં ત્યાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે. સેચેલ્સમાં મેરી નેઈગ એક કોલ સેન્ટરમાં કામ કરે છે અને તે વેક્સિન લેવા માટે આતુર હતી. આ ટચૂકડા દેશમાં મોટા ભાગના લોકોની જેમ માર્ચમાં તેને પણ ચીનની સિનોફાર્મ વેક્સિન આપવામાં આવી હતી. બાદમાં તેને લાગ્યું કે વેક્સિન લીધા બાદ હવે તેને કોરોના થઈ શકશે નહીં.
જાેકે, થોડા સપ્તાહ બાદ તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, મને ઘણો મોટો આઘાત લાગ્યો હતો. કોરોના થયા બાદ તે હોમ આઈસોલેશનમાં હતી. તેને કોઈ પણ પ્રકારની ગંધ આવતી ન હતી અને સ્વાદ પણ આવતો ન હતો. આ ઉપરાંત તેના ગળામાં પણ થોડો સોજાે આવી ગયો હતો. તેણે જણાવ્યું હતું કે વેક્સિન આપણને કોરોનાથી બચાવતી નથી પરંતુ તેના લક્ષણોથી બચાવે છે. મેં ઘણી બધી કાળજી રાખી હતી.
ચીન વેક્સિન ડિપ્લોમસી અંતર્ગત ઘણા દેશોને પોતાની વેક્સિન આપી રહી છે. મીડિયા અહેવાલ પ્રમાણે ચીને અન્ય દેશોને સિનોફાર્મના ૧૩.૩ બિલિયન ડોઝ આપ્યા છે. ચીનની કંપનીએ બે અલગ-અલગ વેક્સિન તૈયાર કરી છે પરંતુ કંપની સામે ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. પ્રથમ તો અંતિમ સ્ટેજની ટ્રાયલના ડેટામાં પારદર્શકતા સામે સવાલો થયા છે.
હવે સેચેલ્સમાં કે જ્યાં મોટા ભાગની વસ્તીને સિનોફાર્મ વેક્સિન આપવામાં આવી છે ત્યાં કેસની સંખ્યામાં મોટો ઉછાળો જાેવા મળી રહ્યો છે. વિશ્વના ૫૬ દેશો કોરોનાનો સામનો કરવા માટે સિનોફાર્મ વેક્સિન આપી રહી છે. જાેકે, સેચેલ્સના સમાચાર તેમના માટે મોટા આઘાત સમાન છે.