સેટેલાઈટના વહેપારી સાથે રૂ.ર૪.૬પ લાખની છેતરપીંડી
સુરતના વહેપારી વિરૂધ્ધ આનંદનગર પોલીસે ગુનો દાખલ કરી હાથ ધરેલી તપાસ
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં નોટબંધી બાદ છેતરપીંડીની ફરિયાદોમાં ખૂબ જ વધારો થયો છે ખાસ કરીને વહેપારીઓ સાથે આવી છેતરપીંડી થઈ રહી છે. શહેરના આનંદનગર વિસ્તારમાં એક કંપનીના માલિક પાસે બેંક ગેરંટી આપવાનો વાયદો કરી એક વહેપારીએ કુલ રૂ.ર૪.પ૦ લાખ મેળવી પરત નહી કરતા છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે આનંદનગર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના સેટેલાઈટ વિસ્તારમાં સુઝલ એપાર્ટમેન્ટમાં રહેતા હેમંતકુમાર વિનોદકુમાર શર્મા એસ.જી.હાઈવે સપથ- પ બિલ્ડીંગમાં આર્કોન પાવર ઈન્ફા ઈન્ડિયા નામની કંપની ચલાવી રહયા છે
આ દરમિયાનમાં સુરત કતારગામ રોડ પર લક્ષ્મી એન્કલેવમાં શિવલીંગા મલ્ટીટ્રેક પ્રા.લિ.નામની કંપની ચલાવતા મહેશભાઈ વલ્લભભાઈ નામનો વહેપારી તેમના સંપર્કમાં આવ્યો હતો અને મહેશભાઈએ હેમંતકુમારની કંપની તરફથી બેંક ગેરંટી આપવાનો પાકો વિશ્વાસ તથા ભરોસો આપી રૂપિયા મેળવ્યા હતાં તા.ર૧.૪.૧૯ થી આજદિન સુધીમાં આરોપી મહેશભાઈએ હેમંતકુમારની કંપની પાસેથી કુલ રૂ.ર૪.૬પ લાખ લઈ લીધા હતા જાકે આ રૂપિયા લેવા છતાં મહેશભાઈ તરફથી રૂપિયા પરત કરવા માટે આનાકાની કરવામાં આવતી હતી.
હેમંતકુમારે આ અંગે વારંવાર ઉઘરાણી કરવા છતાં ઉડાઉ જવાબ આપવામાં આવતો હતો જેના પરિણામે આખરે હેમંતકુમારે સુરતના વહેપારી મહેશભાઈ વિરૂધ્ધ રૂ.ર૪.૬પ લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા આનંદનગર પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેકટર વી.આર. ચૌહાણે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.