Western Times News

Gujarati News

સેટેલાઈટમાં વેપારીએ ૮માં માળેથી પડતું મૂક્યું

શહેરમાં આત્મહત્યાની પાંચ ઘટનાઃ રામોલમાં આર્થિક તંગીથી કંટાળી વૃદ્ધે ગળાફાંસો ખાધો

અમદાવાદ: અમદાવાદ શહેરમાં આત્મહત્યાની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. શહેરમાં એક જ દિવસમાં આત્મહત્યાની પાંચ ઘટનાઓ નોંધાતાં પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. શહેરનાં વેજલપુર, આનંદનગર, કૃષ્ણનગર તથા રામોલમાં આત્મહત્યાની ઘટનાઓ ઘટતાં સ્થાનિક પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, શહેરનાં જુહાપુરા વિસ્તારમાં સંકલિત નગરમાં રહેતાં મુસ્તુફા શેખ નામનાં વૃદ્ધ છેલ્લાં ઘણાં સમયથી બિમારીથી પીડાતાં હતાં અને માનસિક રીતે ત્રસ્ત બની ગયા હતા જેનાં પરીણામે ગઈકાલે રાત્રે પોતાનાં જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

આ ઘટનાથી પરિવારજનો ખૂબ જ વ્યથિત બની ગયાં હતા અને પોલીસને જાણ કરતાં મુસ્તુફાભાઈનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી પરિવારજનોની પૂછપરછ કરતાં ઉપરોક્ત કારણ જાણવા મળ્યું હતું. વેજલપુર પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આત્મહત્યાની અન્ય એક ઘટના આનંદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. શહેરનાં સેટેલાઈટ જાધપુર ગામમાં આવેલાં આલોક એપાર્ટમેન્ટમાં રહેતાં ૪૫ વર્ષનાં યુવાન હિતેન્દ્રભાઈ મણિલાલ સોની છેલ્લાં કેટલાંક દિવસથી માનસિક રીતે ત્રસ્ત જણાતાં હતાં.

આ દરમ્યાનમાં તેઓ ગઈકાલે રાત્રે નજીકમાં આવેલાં રિદ્ધિ ટાવરનાં એ-બ્લોકમાં પહોંચી ગયા હતા અને ત્યાં આઠમાં માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ થતાં લોકોનાં ટોળે ટોળાં ઉમટી પડ્યાં હતા અને તપાસ કરતાં તપાસ કરતાં હિતેન્દ્રભાઈનાં પરિવારનો સંપર્ક થયો હતો.

ઘટનાની જાણ થતાં પરિવારનો સભ્યો પણ ખૂબ જ વ્યથિત બની ગયાં હતાં. પોલીસે હિતેન્દ્રભાઈનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પરિવારજનોની પૂછપરછ કરતાં કોઈ કારણ જાણવા મળ્યું નહતું. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આનંદનગર પોલીસ સ્ટેશન મદદનીશ સબ ઈન્સ્પેક્ટર મોહમંદભાઈ પરીવારજનોની પૂછપરછ કરી રહ્યાં છે.

હિતેન્દ્રભાઈ રિદ્ધિ ટાવરમાં કઈ રીતે પહોંચ્યા તે તપાસનો વિષય બની ગયો છે. આત્મહત્યાનો અન્ય એક બનાવ કૃષ્ણનગર વિસ્તારમાં બન્યો છે. સૈજપુર બોગા કેનેરા બેંકની ગલીમાં આદિશ્વર સોસાયટી-૧માં નરેશ શર્મા નામનાં ૨૪ વર્ષીય યુવકે પોતાનાં ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે નરેશભાઈનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ સમગ્ર ઘટનાની તપાસ કરનાર નરોડા પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ અતુલભાઈએ આત્મહત્યાનું કારણ જાણવા માટે પરિવારજનોની પૂછપરછ કરી હતી. પરંતુ કારણ જાણવા મળ્યું નથી. કૃષ્ણનગર વિસ્તારમાં જ વધુ એક આત્મહત્યાની ઘટના ઘટી હતી. જેમાં નરોડા ચિત્રકુટ આવાસ યોજનામાં રહેતાં મહેશભાઈ ઠાકોર નામનાં ૩૫ વર્ષીય યુવકે પોતાનાં ઘરમાં જ ગળેફાંસો ખાઈ લીધો હતો. આ અંગે નરોડા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આત્મહત્યાની એક ચોંકાવનારી ઘટના રામોલ વિસ્તારમાં બની છે. જેમાં આર્થિક તંગીથી કંટાળી એક વૃદ્ધે ગળેફાંસો ખાધો છે. શહેરનાં સીટીએમ વિસ્તારમાં પૂર્વદીપ સોસાયટી પાસે આવેલાં દયા પાર્કમાં રહેતાં જ્યંતીભાઈ ભાઈચંદભાઈ પટેલ છેલ્લાં ઘણાં સમયથી આર્થિક તંગીને કારણે માનસિક રીતે વ્યથિત જણાતાં હતાં. તેઓ ગઈકાલે પોતાનાં ઘરમાં હતા

ત્યારે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ૬૦ વર્ષનાં વૃદ્ધ જયંતીલાલ પટેલની આત્મહત્યાથી પરિવારજનો ખૂબ જ વ્યથિત બની ગયાં હતા અને કલ્પાંત કરી મૂક્યું હતું.  આસપાસનાં લોકો પણ એકત્ર થઈ ગયાં હતાં. બીજીબાજુ આ ઘટનાની જાણ રામોલ પોલીસને કરતાં પોલીસ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતાં અને જયંતીભાઈના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.