સેટ પર અભિનેતાની ગનમાંથી ગોળી છૂટતાં મહિલાનું મોત
હાલિના હચકિન્સ નામની ફિલ્મની સિનેમેટોગ્રાફર મહિલાનું મોત, ડાયરેક્ટર જાેયલ સૂજાને પણ ગોળી વાગી
નવી દિલ્હી, હોલીવૂડના મશહૂર એકટર એલેક્સ બાલ્ડવિને ફિલ્મના સેટ પર પ્રોપ ગનથી કરેલા ફાયરિંગના કારણે સેટ પર એક મહિલાનુ મોત થયુ છે. પોલીસ દ્વારા આ ઘટનાને સમર્થન અપાયુ છે. બાલ્ડવિન પોતાની આગામી ફિલ્મ રસ્ટનુ શૂટિંગ કરી રહ્યા હતા
ત્યારે શૂટિંગમાં વપરાતી ગનમાંથી થયેલા ફાયરિંગમાં હાલિના હચકિન્સ નામની મહિલાનુ મોત થયુ છે. તે આ ફિલ્મની સિનેમેટોગ્રાફર હતી. આ ફિલ્મના ડાયરેક્ટર જાેયલ સૂજાને પણ ગોળી વાગી છે અને તે ગંભીર રીતે ઘાયલ થયા છે.
પોલીસનુ કહેવુ છે કે, હજી અમે તપાસ કરી રહ્યા છે કે, આ ગનમાં કયા પ્રકારના દારૂગોળાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ માટે શૂટિંગ સમયે હાજર બીજા કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવશે.
આ ઘટના બાદ ફિલ્મનુ શૂટિંગ રોકી દેવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં અભિનય કરી રહેલા એલેક્સ બાલ્ડવિન ફિલ્મના પ્રોડયુસર પણ છે. હાલના તબક્કે આ ફિલ્મના શૂટિંગ પર નવેમ્બર સુધી રોક લગાવી દેવામાં આવી છે.
સામાન્ય રીતે શૂટિંગ માટે વપરાતી ગનને પ્રોપ ગન કહેવાય છે. જેમાં નકલી ગોળીઓ ભરેલી હોય છે. આ કેસમાં હવે એ સવાલ ઉભો થયો છે કે, ગનમાં અસલી ગોળી કે બીજુ કશું હતુ જેનાથી સિનેમેટોગ્રાફરનુ મોત થયુ છે.