સેનિટાઇઝર પીવાથી આંધ્રપ્રદેશમાં ૧૦ દારૂડિયાના મોત નિપજયાં
અમરાવતી, આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લામાં કોરોનાને કારણે ચાલી રહેલા લોકડાઉન દરમિયાન એક ગામમાં દારૂના પર્યાય રૂપે સેનિટાઇઝર પીને ત્રણ ભિક્ષુ સહિત દસ દારૂડિયાનાં મોત થયાં હતાં. કુરુચેડુ ગામના આ પીડિતો છેલ્લા થોડા દિવસથી સેનિટાઇઝરને પાણી અથવા કોલ્ડ ડ્રિન્કમાં મિલાવીને પી રહ્યા હતા, એમ સુપરિન્ટેન્ડેન્ટ પોલીસ સિદ્ધાર્થ કૌશલે જણાવ્યું હતું.
કોરોનાને કારણે લોકડાઉન વધારવામાં આવ્યા બાદ દારૂની દુકાનો પણ બંધ હતી. તેથી પીડિતો સેનિટાઇઝર પી રહ્યા હતા. બે જણનાં મોત ગુરુવારે રાત્રે અને બાકીના આઠનાં મોત શુક્રવારે સવારે થયાં હતાં. ‘અમે તપાસ કરી રહ્યા છે કે સેનિટાઇઝરમાં કોઇ કેફીદ્રવ્ય હતું કે નહીં. તેના નમૂના અમે તપાસ માટે મોકલાવ્યા છે. પીડિતો દારૂના બંધાણી હતા અને કોરોના લોકડાઉનને કારણે તેમને દારૂ મળતો નહોતો. ત્રણ ભિક્ષુઓ સિવાય ગરીબ રિક્ષાવાળા અને હમાલીઓનો પીડિતોમાં સમાવેશ થાય છે’, એમ કૌશલે જણાવ્યું હતું. આ સિવાયના અમુક લોકોએ પણ સેનિટાઇઝર પીવાને કારણે તબિયત ખરાબ થઇ ગઇ હોવાની ફરિયાદ કરી હતી જેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની હાલત હવે સ્થિર છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.HS