Western Times News

Gujarati News

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની ફોટોગ્રાફી ઉપર પ્રતિબંધ

નવી દિલ્હી: દેશ દોઢ વર્ષથી કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે અને છેલ્લા એક મહિનામાં કોરોનાની બીજી લહેરે ભારે વિનાશ વેર્યો છે. દેશમાં ઓક્સિજન, વેન્ટિલર સહિત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ભારે અછત છે.

દેશના સ્મશાનોમાં કોરોના દર્દીઓના શબોના અગ્નિદાહથી આકાશમાં સતત ધૂમાડા થઈ રહ્યા છે. આવા સમયમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ડ્રીમ પ્રોજેક્ટ એવા રૂ. ૨૦ હજાર કરોડનો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૩ની ડેડલાઈનમાં પૂરો કરવાની ઊતાવળ છે. મોદીના નવા રાજમહેલ જેવા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે તેની ભારે ટીકા થઈ રહી છે. સ્મશાનમાં સળગી રહેલી સંખ્યાબંધ ચિતાઓ અને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ફોટો સાથે મૂકીને મોદી સરકારના માથે બરાબરનાં માછલાં ધોવાઈ રહ્યાં છે અને લોકોમાં ભારે આક્રોશ છે.

આ માહોલમાં મોદી સરકારે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની બહાર બેરીકેડ્‌સ મૂકીને ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવા પર પ્રતિબંધ મૂકતાં બોર્ડ લગાવી દેતાં નવો વિવાદ ખડો થઈ ગયો છે. આ વિસ્તારને હાઈ સીક્યુરિટી ઝોન ગણાવીને પ્રોજેક્ટમાં કામ કરતા લોકો સિવાયનાં લોકોના સંકુલમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. આ અઠવાડિયે અચાનક જ લગાવી દેવાયેલાં આ બોર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. લોકો સવાલ કરી રહ્યાં છે કે, મોદી સરકારે એવું તે શું છૂપાવવાનું છે

કે ફોટા-વીડિયો લેવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે ? સૂત્રોના મતે, પ્રોજેક્ટના ફોટા મૂકીને આ મુદ્દો સળગતો ના રખાય એટલે આ પગલું ભરાયું છે. સોશિયલ મીડિયા પર એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશની ગરીબ જનતા માટે કામ કરવાના બદલે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્‌સ બનાવી દુનિયામાં પોતાની વાહવાહી કરાવવામાં જ વધુ રસ છે. વડાપ્રધાન મોદી પોતાને પ્રધાન સેવક અને ફકીર ગણાવે છે. પરંતુ તેમના શોખ રાજા-મહારાજાઓને પણ શરમાવે તેવા છે. વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તેમના શાહી શોખનું પ્રતિબિંબ પૂરું પાડે છે.

પીએમ મોદીને અબજાે રૂપિયાના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, કરોડો રૂપિયાના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ, વડાપ્રધાન માટેના રૂ. ૯,૦૦૦ કરોડના વૈભવી વિમાન, રૂ. ૫૦૦ કરોડના ખર્ચે એસપીજી કમાન્ડોની વિશેષ સિક્યોરિટીમાં વધુ રસ છે.

૯ મેના રોજ સામનામાં લખવામાં આવ્યું છે કે, બાંગ્લાદેશે હિંદુસ્તાનને ૧૦,૦૦૦ રેમડેસિવિર દાન સ્વરૂપે મોકલ્યા છે. ભૂતાન જેવા દેશે ઓક્સિજન મોકલ્યો છે. નેપાળ, મ્યાંમાર, શ્રીલંકા જેવા દેશોએ પણ આર્ત્મનિભર હિંદુસ્તાન સામે મદદનો હાથ લંબાવ્યો છે. સ્પષ્ટ રીતે કહીએ તો આજે પણ હિંદુસ્તાન નેહરૂ-ગાંધી દ્વારા નિર્માણ પામેલી વ્યવસ્થા પર ટકેલો છે.

નહીં તો કોરોનાની લહેરમાં ૧૨૫ કરોડ લોકો ક્યારના ખતમ થઈ જતા. હિંદુસ્તાનમાં સળગી રહેલી ચિતાઓના ધુમાડાથી આજુ બાજુના દેશનો દમ ઘૂંટાઈ રહ્યો છે. આ ધુમાડાથી કોરોના પોતાના દેશમાં ન ફેલાય માટે અનેક ગરીબ દેશ પણ દયાભાવનાથી હિંદુસ્તાનની મદદ કરી રહ્યા છે.

સામનામાં આગળ લખ્યું છે કે, ગોર-ગરીબ દેશ આપણને પોતાની હેસિયત પ્રમાણે નાની-મોટી સહાય કરી રહ્યા છે તો પણ આપણા સન્માનનીય વડાપ્રધાન મહોદય ૨૦,૦૦૦ કરોડની મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પરિયોજનાને રોકવા તૈયાર નથી. દિલ્હીમાં નવું સંસદ ભવન, તેમાં વડાપ્રધાનનો નવો-નવેલો મહેલ, આ યોજનાઓ પર હજારો કરોડ રૂપિયા બરબાદ કરવાના અને પછી બાંગ્લાદેશ, ભૂતાન, શ્રીલંકા જેવા દેશો પાસેથી કોરોના નિવારણ માટે મદદ સ્વીકારવાની, કોઈને આનું દુખ પણ નથી તેનું આશ્ચર્ય થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.