સેન્સેક્સમાં ૧૭૩૬ અને નિફ્ટીમાં ૪૫૫ પોઈન્ટનો ઉલ્લેખનીય ઊછાળો
નવી દિલ્હી, ભારતીય શેરબજાર સોમવારે જેટલું ઘટ્યું હતું તેટલા જ પ્રમાણમાં મંગળવારે વધ્યું છે અને આ રીતે બધો જ ઘટાડો સરભર કરી લીધો છે. રશિયા-યુક્રેન કટોકટીના કારણે ક્રૂડનો સપ્લાય ખોરવાશે તેવા ભયથી સોમવારે બજાર ૧૭૪૭ પોઇન્ટ તૂટ્યું હતું.
પરંતુ મંગળવારે ઓઈલના ભાવની ચિંતા હળવી થતા જ બજારમાં સીધો ૧૭૩૬ પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. સેન્સેક્સના આ જબ્બરજસ્ત ઉછાળા માટે રશિયન સરકારની એક જાહેરાત જવાબદાર છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે યુક્રેન સાથે કરાર કરવાના સંકેત આપતા જ બજારનું સેન્ટીમેન્ટ સુધર્યું હતું.
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમારે કહ્યું કે, યુક્રેન કટોકટીનો ડિપ્લોમેટિક ઉકેલ મળવો જાેઈએ. બજારમાં સ્માર્ટ રિબાઈન્ડ આવશે. રશિયા યુક્રેન પર હુમલો કરશે તો યુએસની આગેવાની હેઠળ પશ્ચિમી દેશો રશિયા પર આક્રમક પ્રતિબંધો મુકશે. ક્રૂડ અને ગેસના ઊંચા ભાવથી ભારતીય અર્થતંત્ર પર માઠી અસર પડશે.
સેન્સેક્સના તમામ ૩૦ શેર ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા જેમાં બજાજ ફાઇનાન્સ સૌથી વધુ ૫.૧૩ ટકા, એસબીઆઈ ૪.૫૫ ટકા, બજાજ ફિનસર્વ ૪.૧૧, એલ એન્ડ ટી (એલએન્ડટી) ૪.૦૨ ટકા અને વિપ્રો ૪ ટકા વધ્યો હતો.
યસ સિક્યોરિટીઝના અમર અંબાણીએ જણાવ્યું કે નિફ્ટી ૫૦ ઓક્ટોબરથી કોન્સોલિડેશન થઈ રહ્યું છે. છેલ્લા ૩૦ દિવસમાં ભારતીય શેરબજારમાં જે ઘટાડો થયો છે તેને જાેતા લાગે છે કે હાલના સ્તરે તેમાં વધુ કરેક્શન આવી શકે.
અંબાણીએ કહ્યું કે પહેલેથી જ ફેબ્રુઆરી મહિનો વોલેટાઈલ રહે છે. ખાસ કરીને બજેટ પછી વોલેટિલિટી વધી છે. નિફ્ટી ફરીથી ઘટીને ૧૫૮૦૦ સુધી જઈ શકે છે. જાેકે, ભારતીય સ્ટોક માર્કેટનું લાંબા ગાળાનું સ્ટ્રક્ચર મજબૂત છે. અમે ૨૦૨૨ માટે બુલિશ છીએ. હાલમાં દરેક ઘટાડે ક્વોલિટી શેર્સ ખરીદવા પર ધ્યાન આપવું જાેઈએ.
બીએસઈ સેન્સેકસ ૧૬૦૦ અંકોની આસપાસના ઉછાળે ૫૮,૦૦૦ નજીક ટ્રેડ કરી રહ્યો છે. નિફટી ૫૦ ઈન્ડેકસ પણ ૪૫૫ અંકોના બમ્પર ઉછાળે ૧૭,૩૦૦ના લેવલે ટ્રેડ કરી રહ્યો છે. નિફટી બેંક ઈન્ડેકસમાં ૩%, ૧૧૦૦ અંકોના ઉછાળે ૩૮,૦૦૦ના સ્તરે કામકાજ કરી રહ્યું છે.
બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઈન્ડેકસ ૧.૯% અને સ્મોલકેપ ઈન્ડેકસ ૧.૨૮% ઉછળ્યાં છે. બીએસઈ ખાતે આજના સત્રમાં ૧૮૪૩ શેર વધીને તો ૧૪૮૪ શેર ઘટીને ટ્રેડ કરી રહ્યાં છે. ૪૭૫ શેરમાં અપર સર્કિટ તો ૨૩૦ શેરમાં લોઅર સર્કિટ છે. ૧૦૫ શેરમાં આજે ૫૨ સપ્તાહનો નવો હાઈ તો ૧૦૫ શેરમાં જ ૫૨ સપ્તાહનું તળિયું જાેવા મળ્યું છે.
રશિયા તરફથી રાહત મળતા આજે બજારને ઉપર ખેંચવાનું કામ રિલયાન્સ અને બજાજ બંધુઓની સાથે ખાનગી બેંકોએ કર્યું છે.SSS