સેન્સેક્સમાં ૩૮૩ અને નિફ્ટીમાં ૧૧૪ પોઈન્ટનો નોંધપાત્ર કડાકો
મુંબઈ, શેરબજારોમાં ઘટાડાનો ટ્રેન્ડ મંગળવારે સતત પાંચમા ટ્રેડિંગ સત્રમાં ચાલુ રહ્યો હતો. બીએશઈ સેન્સેક્સ ૩૮૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭,૩૦૦ પોઈન્ટ પર બંધ રહ્યો હતો. રશિયા-યુક્રેન સંકટ વચ્ચે વૈશ્વિક બજારોમાં ભારે વેચવાલીની અસર સ્થાનિક બજાર પર પડી હતી.
શરૂઆતના કારોબારમાં ૩૦ શેરો ધરાવતો સેન્સેક્સ લગભગ ૧,૩૦૦ પોઈન્ટ તૂટ્યો હતો. બાદમાં તે ઝડપથી સુધર્યો હોવા છતાં, તે ૩૮૨.૯૧ પોઈન્ટ્સ અથવા ૦.૬૬ ટકાના ઘટાડા સાથે ૫૭,૩૦૦.૬૮ પર બંધ રહ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (નિફ્ટી૫૦) પણ ૧૧૪.૪૫ પોઈન્ટ્સ અથવા ૦.૬૭ ટકાના ઘટાડા સાથે ૧૭,૦૯૨.૨૦ પર બંધ થયો હતો. સેન્સેક્સ શેરોમાં ટાટા સ્ટીલ, ટીસીએસ અને એસબીઆઈ સૌથી વધુ ૩.૬૪ ટકા ઘટ્યા હતા. સેન્સેક્સના ૩૦માંથી ૨૦ શેર ખોટમાં હતા.
જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે, રશિયન સમર્થિત બળવાખોરો દ્વારા બે પ્રદેશોને માન્યતા આપવાને કારણે રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધી ગયો છે. ક્રૂડ ઓઈલ અને સોનાની કિંમતોમાં આર્થિક અસર ઝડપથી જાેવા મળી રહી છે. તેમણે કહ્યું કે ભારત માટે સૌથી મોટો પડકાર ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ ૯૭ ડોલર સુધી પહોંચવાનો છે. આ વધતા જતા ફુગાવાના કારણે, રિઝર્વ બેંકને તેના અનુકૂળ વલણને છોડી દેવાની ફરજ પડી શકે છે.
શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા વેચવાલી ચાલુ રહી અને તેઓએ સોમવારે રૂ. ૨,૨૬૧.૯૦ કરોડના શેરનું વેચાણ કર્યું. રશિયા-યુક્રેનની મડાગાંઠ વચ્ચે સોમવારે યુએસ શેરબજાર વોલ સ્ટ્રીટ ઘટ્યા બાદ અન્ય એશિયન બજારોમાં વેચવાલી જાેવા મળી હતી. યુરોપિયન બજારોમાં બપોરના વેપારમાં પણ આવી જ સ્થિતિ જાેવા મળી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પૂર્વ યુક્રેનમાં અલગતાવાદી વિસ્તારને માન્યતા આપી છે. આનાથી ભૌગોલિક રાજકીય કટોકટી વધુ ઊંડી થવાની ધારણા છે.
દરમિયાન, બ્રેન્ટ ક્રૂડ વાયદો ચાર ટકા વધીને બેરલ દીઠ ૯૭.૩૫ ડોલર થયો હતો. કાચા તેલની આ કિંમત સપ્ટેમ્બર ૨૦૧૪ પછી સૌથી વધુ છે.SSS