સેપ્ટિક ટેન્કમાં ઊતરેલા ચાર કામદારનાં ગુંગળામણથી મોત
ગઢવા: ઝારખંડના ગઢવા જિલ્લામાં બુધવારે સેપ્ટિક ટેન્કમાં ચાર લોકોના ગૂંગળામણથી મોત નીપજ્યાં છે. આ ઘટના જિલ્લાના કાંડી પોલીસ સ્ટેશન હેઠળ આવેલા ડુમરસોતા ગામની છે. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. બુધવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ કાંડી પોલીસ સ્ટેશન નજીક અખિલેશ દુબેના મકાન પાસે સેપ્ટિક ટેન્કનું સેટ્રિંગ ખોલતી વખતે ચાર કામદારોનાં ગૂંગળામણને લીધે મોત થયા હતા.
તમામ કામદારો કાંડી પોલીસ સ્ટેશન વિસ્તારના ડુમરસોતા ગામના રહેવાસી છે. મૃતકોમાં મિથિલેશકુમાર મહેતા ૪૦ વર્ષ અને તેનો પુત્ર નાગેન્દ્રકુમાર મહેતા ૨૦ વર્ષ, અનિલકુમાર મહેતા ૩૫ વર્ષ અને પ્રવીણકુમાર મહેતા ૩૩ વર્ષનો સમાવેશ થાય છે. આ બનાવના વિરોધમાં રોષે ભરાયેલા ગ્રામજનોએ પ્રાથમિક આરોગ્ય સબ સેન્ટર નજીક રસ્તા વચ્ચે ટાયરો સળગાવી કાંડી ગઢવા મુખ્ય માર્ગને રોકી દીધો છે. મળતી માહિતી મુજબ, અખિલેશ દુબેની નવી બનેલી સેપ્ટિક ટેન્કની સેટ્રિંગ ખોલવા માટે તમામ મજૂરો ટાંકીની અંદર પ્રવેશ્યા હતા.
ટેન્કમાં પ્રવેશતાની સાથે જ તમામ કામદારો બેહોશ થઈને અંદર પડી ગયા હતા. આ મજૂરોના સાથીદારોએ આ જોઇને બૂમાબૂમ કરતા આસપાસના લોકોની મદદથી તમામ કામદારોને બહાર કાઢી અને પ્રાથમિક સારવાર માટે કાંડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાવવામાં આવ્યા. આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની ગેરહાજરીને કારણે તમામ મજૂરોને ખાનગી વાહન દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર મઝિઆંવ ખાતે મોકલાયા હતા.
અહીં તપાસ બાદ ચારેયને ડો.શમશેરસિંહે મૃત જાહેર કર્યા હતા. આ અંગેની માહિતી મળતાં કામદારોના સબંધીઓ અને ડૂમરસોતાના ગ્રામજનો રોષે ભરાયા હતા અને બપોરે ૧૨ વાગ્યાથી કાંડીમાં રસ્તો રોકી દીધો હતો. જોકે, કાંડી પોલીસની ટીમ તાકીદે ઘટના સ્થળે પહોંચી લોકોને શાંત પાડવાની કોશિશ કરી હતી. પરંતુ દિવસના એક વાગ્યા સુધી પોલીસ તેમાં સફળતા મેળવી શકી ન હતી.