સેમસંગનું વૈશ્વિક સામ્રાજ્ય ઊભું કરનારા ચેરમેન લી કુનનું નિધન
સિઓલ, દક્ષિણ કોરિયાની ફિશ એન્ડ ફૂડ ટ્રેડિંગ કરનારી એક લોકલ કંપની સેમસંગને વિશ્વની જાયન્ટ મોબાઇલ તથા મેમરી ચિપ્સ બ્રાન્ડ બનાવનારા ચેરમેન લી કુન હિનું ૭૮ વર્ષની વયે નિધન થયું છે.
સેમસંગની વૈશ્વિક ઓળખ પાછળ લિ કુન હિ નું વિઝન જવાબદાર છે. તેમના કાર્યકાળમાં જ સેમસંગ દક્ષિણ કોરિયાના સમગ્ર જીડીપીના પાંચમા ભાગનો હિસ્સો ધરાવતું કોર્પોરેટ જૂથ બન્યું હતું.
શિપ મેકિંગ સહિતની કંપનીઓમાં સેમસંગનો દબદબો એટલી હદે ફેલાયો હતો કે એક તરફ દક્ષિણ કોરિયાના લોકો પોતાની આ ગ્લોબલ બ્રાન્ડ માટે ગૌરવ લેતા હતા તો બીજી તરફ અનેકવિધ ક્ષેત્રોમાં તેના પ્રભુત્વથી ચિંતિત પણ હતા. ઇલેક્ટ્રોનિકસ, સેલફોન, કન્સ્ટરકશન, શિપ મેકિંગ, એમ્યુઝમેન્ટ પાર્ક સહિતના ક્ષેત્રોમાં સેમસંગનું પ્રભુત્વ છે.
દક્ષિમ કોરિયાની કેપિટલ માર્કેટની કુલ બજાર મૂડમાં ૨૦ ટકા હિસ્સો એકલી સેમસંગનો છે. ૨૦૧૭ના ફોર્બ્સના અંદાજ પ્રમાણે તેમની પાસે ૧૬ અબજ ડોલરની સંપત્તિ હોવાનું માનવામાં આવે છે. લિ કુન હિને ૨૦૧૪માં હાર્ટએટેક આવ્યો હતો.
તેઓ લાંબા સમયથી પથારીવશ હતા. તેમના નિધન સમયે તેમના પુત્ર અને કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ જેય વાય. લી તથા અન્ય પરિવારજનો તેમની સમીપ મોજુદ હતા.
લીએ ૧૯૮૭માં તેમના પિતા લી બ્યૂંગ ચુલ પાસેથી આ કંપનીનો કારભાર સંભાળ્યો હતો. ત્યારે તે ફિશ અને ફ્રૂટ એક્ષ્પોર્ટ કરનારી દક્ષિણ કોરિયાની સૌથી મોટી કંપની હતી. ત્યારે કંપની ટીવી સેટ બનાવવા માટે જાપાનીઝ ટેક્નોલોજી પર આધાર રાખી હતી.
જોકે, લીએ નવા જમાનાની માંગને પારખી કંપનીનું સમગ્ર ફોક્સ જ બદલી નાખ્યું હતું. તેમણે આર એન્ડી પાછળ પુષ્કળ ખર્ચ કર્યો હતો અને તેને ટીવી, મેમરી ચિપ્સ તથા સ્માર્ટ ફોન્સની વિશ્વની સૌથી ટોચની કંપનીઓમાંની એક બનાવી દીધી હતી.
૧૯૯૩માં તેમણે કંપની એક્ઝિક્યુટિવ્ઝને આપેલું પ્રવચન બહુ યાદગાર મનાય છે. તેમણે વિચાર કરવા તથા કામ કરવાની જૂની પદ્ધતિઓ છોડવાની હાકલ કરતાં કહ્યું હતું કે , બધું જ બદલી નાખો, તમારી પત્ની અને સંતાના સિવાય બધું જ બદલી નાખો.
લીનો એક વધુ કિસ્સો યાદગાર છે. તેઓ ક્વોલિટી પર બહુ જ ભાર આપતા હતા અને તેની સાથે કોઇ બાંધછોડ ચલાવી લેવા માગતા ન હતા. ૧૯૯૫માં તેઓ કંપનીના ગુમી શહેર ખાતેના પ્લાન્ટની મુલાકાતે ગયા હતા.
ત્યાં ઉત્પાદિત સેલફોન તેમને બહુ હલ્કી ક્વોલિટીના લાગ્યા હતા. તરત જ તેમણે પ્લાન્ટના બે હજાર કામદારોને એકઠા કર્યા.
સૌને માથે ક્વોલિટી ફર્સ્ટ લખેલી પટ્ટી પહેલાવી અને તે પછી આશરે પાંચ કરોડ ડોલરના સેલફોન, ફેક્સ મશીન તથા હલ્કી ક્વોલિટીની એવી તમામ ચીજોનો ખુડદો બોલાવી સળગાવી દેવાનો આદેશ આપ્યો હતો. કર્મચારીઓ તેમની મહિનાઓની મહેનતથી બનેલી ચીજોને તોડતાં અને સળગાવી દેતાં રડી પડ્યા હતા પણ લી અડગ રહ્યા હતા.SSS