સેલવાસમાં દુકાનના શટર તોડીને મોબાઇલ ચોરી કરનાર બે શખ્સોની ધરપકડ
સેલવાસ: સેલવાસ કિલવણી નાકા નજીકની મોબાઈલની દુકાનમાં ચોરી કરી ૧ લાખથી વધુની કિંમતના ૭ મોબાઈલ ચોરી થઇ હતી. ચોરી કરનાર ૨ આરોપીઓને ટેક્નિકલ એનાલિસિસ ટીમની મદદ વડે સેલવાસ પોલીસે ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કર્યો છે.
સેલવાસમાં કિલવણી નાકા પાસે મહાવીર મોબાઈલ દુકાનના માલિક કન્હૈયા બિન્દાચાલ શાહની દુકાનમાંથી રાત્રિ દરમિયાન શટર તોડી ૧,૦૧,૯૩૯ રૂપિયાના ૭ એન્ડ્રોઇડ ફોન ચોરીની ફરિયાદ સેલવાસ પોલીસ મથકમાં નોંધાઇ હતી. સેલવાસ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સેલવાસ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન ટેક્નિકલ એનાલિસિસ ટીમની મદદ વડે તપાસ કરતી ટીમે ૨ યુવાનોની અટક કરી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી.જેમાં આરોપી રાહુલ રામસિંહ રાજભર અને ભરત મુનીરામ રાજભરે આ મોબાઈલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. સેલવાસ પોલીસે બન્ને યુવાનોની ધરપકડ કરી ચોરી કરેલા ૭ મોબાઈલ ફોન પણ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી