સેલ્ફીના શોખને કારણે બે એન્જિનિયર વિદ્યાર્થીઓના મોત

Files Photo
ગ્વાલિયર: સેલ્ફીનો શોખ ક્યારેક જીવલેણ બની જાય છે. આવી જ એક ઘટના મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં બની છે. સેલ્ફીના ચક્કરમાં બે એન્જિનિયર વિદ્યાર્થીઓના મોત થયા છે. ગ્લાલિયરથી ધૂમેશ્વર મંદિર દર્શન માટે ૧૦ યુવાઓની ટોળકી ગઈ હતી. આ બે યુવકો આ ટોળકીમાં સામેલ હતા.
ગ્વાલિયરથી યુવાઓની એક ટોળકી પિકનિક મનાવવા માટે ધૂમેશ્વર ધામ મંદિર ગઇ હતી. જેમાં કિશન હોતવાની અને કિતાંશુ શાક્ય પણ સામેલ હતા. આ બંને બાળપણના મિત્ર હતા અને મ્ઈ ફાયનલ યરના વિદ્યાર્થી હતા. ધૂમેશ્વર મંદિરમાં દર્શન કરતા પહેલા બધા સ્નાન કરવા માટે નદીમાં ઉતર્યા હતા. સ્નાન કરતા કરતા કિશન હોતવાની સેલ્ફી લેવામાં મશગુલ હતો. આ દરમિયાન તે અચાનક પાણીમાં પડી ગયો અને નદીના વહેણની ચપેટમાં આવી ગયો હતો. તેને તરતા આવડતું ન હતું.
તેને બચાવવા માટે તેનો મિત્ર કિતાંશુ શાક્ય પણ ઉંડા પાણીમાં કૂદી ગયો હતો. બંને એકબીજાનો હાથ પકડીને નદીના વહેણમાં તણાવા લાગ્યા હતા. થોડા સમય પછી બંને પાણીમાં ગુમ થઇ ગયા હતા.
બંનેને નદીમાં તણાતા જાેઈને તેમની સાથે આવેલા યુવાનોએ બંનેના પરિવારજનોને ખબર કરી હતી. સાથે કંટ્રોલ રૂમમાં પણ જાણકારી આપતા મદદ માંગી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ આવી પહોંચી હતી. ગ્લાલિયરથી એનડીઆરએફ ટીમ પણ આવી પહોંચી હતી. ૨૪ કલાક પછી બંનેના શવ મળી આવ્યા હતા.