સેલ્ફી લેવાના ચક્કરમાં પાછળથી ટ્રેન આવી જતા યુવકનું મોત

પ્રતિકાત્મક
મહેસાણા, મોબાઈલની ધૂનમાં રહેતા લોકો અનેકવાર ભાન ભૂલી જાય છે. મોબાઈલમાં વ્યસ્ત રહેવાને કારણે અનેક લોકો સાથે અકસ્માત થતા હોય છે અને લોકો જીવ ગુમાવતા હોય છે. આવો જ એક કિસ્સો મહેસાણા જિલ્લામાં બન્યો છે. કાનમાં ઈયર ફોન ભેરવીને સેલ્ફી લઈ રહેલા યુવકને પાછળથી આવી રહેલુ મોત ન દેખાયું.
યુવકને પાછળથી ક્યારે ટ્રેન આવી તે ખબર ન પડી અને ટ્રેનની અડફેટે આવી જતા તેનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર, પાંચોટ પાસે મહેસાણા-પાટણ રેલવે ટ્રેક પર આ અકસ્માત સર્જાયો હતો. રામોસણાનો રહેવાસી જીજ્ઞેશજી ઠાકોર પોતાના મિત્રો સાથે પાંચોટ બાયપાસ હાઈવે ઉપર રેલવે ઓવરબ્રિજ નીચે પાટણ રેલવે લાઈનના ટ્રેક ઉપર ગયો હતો.
તેની સાથે મિત્ર અને બહુચરાજીના અંબાલાનો રહેવાસી કીર્તિ ઉર્ફે રણવીરજી ઠાકોર પણ હતો. બંને મિત્રો કાનમાં ઈયર ફોન નાંખીને મોબાઈલમાં ફોટો પાડી રહ્યા હતા. બંને યુવકોના એટલા વ્યસ્ત હતા કે, તેની પાછળથી પાટણથી મહેસાણ તરફ આવતી ટ્રેન તેમને દેખાઈ ન હતી.
એટલુ જ નહિ, કાનમાં ઈયર ફોન હોવાથી તેઓને ટ્રેનનો અવાજ પણ સંભળાયો ન હતો. એટલુ જ નહિ, ટ્રેક પાસે આવેલ ખેતરમાં ઘાસચારો લેતી મહિલાએ પણ બંને યુવકોને બૂમો પાડીને ચેતવ્યા હતા, પરંતુ બંને ફોટો પાડવામાં એટલી મશગૂલ હતા કે, તેઓને મહિલાનો અવાજ પણ સંભળાયો ન હતો. આમ જાેતજાેતમાં ટ્રેન નજીક આવી ગઈ હતી અને જીજ્ઞેશ ઠાકોર ટ્રેનની અડફેટે આવ્યો હતો. તેનુ ત્યા જ મોત નિપજ્યુ હતુ.