સૈનિકોના સંતાનોને શૈક્ષણિક લાભ માટે આવક મર્યાદા રદ કરાઈ

પ્રતિકાત્મક
(એજન્સી) અમદાવાદ, યુધ્ધમાં શહીદ થયેલા અને ઘવાયેલા સૈનીકોના સંતાનોને શૈક્ષણિક સવલતો આપવા માટે આવક મર્યાદા રદ કરવામાં આવી છે. જેથી હવે રાજ્યની સરકારી અને ગ્રાંટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કુલોમાં અભ્યાસ કરતા શહીદ અથવા ઘવાયેલા સૈનિકોના સંતાનોને યોજનાનો લાભ આવક મર્યાદા વગર મળી શકશે.
આ યોજનામાં વિદ્યાર્થીઓને ફી, ગણવેશ, શૈક્ષણિક સાધનો, હોસ્ટેલ ખર્ચ વગેરેે મળવા પાત્ર થશે. જેથી કમિશ્નર ઓફ સ્કુલની કચેરી દ્વારા તેઓને ડીઈઓને પરિપત્ર મોકલી આવા વિદ્યાર્થીઓની દરખાસ્ત ૧૦ દિવસમાં જ મોકલવા તાકીદ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, યુધ્ધમાં શહીદ થયેલા અથવા ઘવાયેલા સૈનિકોના સંતાનોને શૈક્ષણિક સવલતો આપવા માટેની યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદા રદ કરવામાં આવી છે. જેથી તમામ જીલ્લા શિક્ષણાધિકારીઓને તેમના જીલ્લાની સરકારી અને ગ્રાંટેડ માધ્યમિક શાળા અને ઉચ્ચત્તર માધ્યમીક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવા પાત્ર વાર કન્સેશન હેઠળની સવલતો પૂરી પાડવા માટેની દરખાસ્ત કરવા માટે સુચના આપી છે.
માત્ર સરકારી અને બિનસરકારી ગ્રાંન્ટેડે શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આ યોજના લાગુ પડશે. યુધ્ધમાં શહીદ થયેલાઅને ઘવાયેલા સૈનિકોના સંતાનોનેે જ આ યોજના લાગુ પડશે. આ યોજનાનો લાભ લેવા માટે કોઈ આવક મર્યાદા નથી. આ યોજના હેઠળનો લાભ આપવા માટે વિદ્યાર્થીની ફી, ગણવેશ, શૈક્ષણિક સાધનો, હોસ્ટેલનો ખર્ચ વગેેરેેે જેવા લાભ મળવાપાત્ર થશે.
આવા વિદ્યાર્થી પાસેથી નિયત અરજી, આધાર કાર્ડ, બેક ખાતાની વિગત, વિદ્યાર્થીઓના પિતા સૈનિક હોવાના સરકારી પુરાવા, મરણનુૃ પ્રમાણ પત્ર કે યુધ્ધમાં ઘવાયાના આધાર પુરાવા મેળવી લેવા માટે પણ જણાવાયુ છે.