સૈન્ય ઓછું ઘટાડવા માટે ભારત-ચીન વચ્ચે અસંમતી
નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે અનેક તબક્કાની મંત્રણા પછી પણ પૂર્વ લદાખથી સેના હટાવવા અંગે કોઈ સંમતિ સાધી શકાઈ નથી. આનાથી એ લગભગ નક્કી થઈ ગયું છે કે બંને દેશોના સૈનિકોને કાતિલ ઠંડીમાં પણ અનેક મહિના સુધી તહેનાત રહેવું પડશે. ગત ૬ નવેમ્બરે કોર કમાન્ડરો વચ્ચે ૮ તબક્કાની મંત્રણા પછી પણ અત્યાર સુધી બંને દેશો વચ્ચે કોઈ ચોક્કસ પ્રગતિ થઈ નથી. આના કારણે છેલ્લા સાત મહિનાથી ચાલી રહેલો સૈન્ય ગતિરોધ હજુ પણ યથાવત્ છે. સૂત્રોના અનુસાર, પારસ્પરિક સંમતિથી પરત હટવાની શરતો અને કદમો અંગે સંમતિ સાધી શકાઈ નથી
તેથી મંત્રણા લગભગ થંભી ગઈ છે. ચીને અત્યાર સુધી નવમા તબક્કાની સૈન્ય મંત્રણા માટે કોઈ તારીખ જણાવી નથી. એવું જણાવાયું છે કે ચીન હજુ પણ એ વાત પર જક્કી વલણ ધરાવે છે કે સેનાને પાછી હટાવવાના પ્રસ્તાવને પેંગોંગ સરોવર-ચુશૂલ વિસ્તારના દક્ષિણ કિનારેથી લાગુ કરવામાં આવે જ્યાં ભારતીય જવાનો ૨૯ ઓગસ્ટથી જ વ્યૂહાત્મક રીતે ડ્રેગન સામે અડગ ઊભા છે. દેપસાંગના વિસ્તારો અંગે પણ સવાલ ભારતે ભારપૂર્વક કહ્યું છે કે સૈનિકોને પરત બોલાવવાની શરૂઆત પેંગોંગ સરોવરના ઉત્તર કિનારેથી કરવામાં આવે જ્યાં ફિંગર ૪થી લઈને ફિંગર ૮ સુધીના ૮ કિમીના વિસ્તાર પર ચાઈનીઝ સેનાએ મે મહિનાથી જ કબજો જમાવી રાખ્યો છે.
બંને દેશો વચ્ચે આ વિવાદનો વિષય છે. એટલું જ નહીં ફિંગર વિસ્તારમાં પાછળ હટવાના અંતર અંગે પણ કેટલાક મતભેદ બંને દેશોની સેનાઓ વચ્ચે છે. આ ઉપરાંત વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વપૂર્ણ દેપસાંગના મેદાની વિસ્તારને લઈને પણ સવાલો સર્જાયા છે. દેપસાંગમાં છેલ્લા સાત મહિનાથી ચાઈનીઝ સેના ભારતીય સૈનિકોને પેટ્રોલિંગ કરતા અટકાવે છે. જણાવાયું છે કે ૮મા તબક્કાની મંત્રણા પછી ભારત અને ચીન ઘણાખરા અંશે એ વાત અંગે સહમત થયા હતા કે સૈનિકો, ટેન્ક, તોપ અને આર્મ્ડ વ્હીકલ્સને પેંગોંગ સરોવર-ચુશૂલ વિસ્તારના અગ્રિમ મોરચેથી પાછળ હટાવવામાં આવે. તેનાથી આ સંકટના ટૂંકમાં જ ઉકેલ લાવવાની આશા જાગી હતી પણ અત્યાર સુધી સૈનિકોને પાછળ હટાવવા અંગે કોઈ સહમતિ સાધી શકાઈ નથી.
ચીન અને ભારત બંનેએ લગભગ ૫૦-૫૦ હજાર સૈનિકોને આ વિસ્તારમાં તહેનાત કરી રાખ્યા છે. ભારતીય સુરક્ષા પ્રતિષ્ઠાનો માને છે કે જો ટોચના રાજકીય-રાજદ્વારી સ્તર પર હસ્તક્ષેપ નહીં થાય તો બંને દેશોના સૈનિકોની વર્તમાન તહેનાતી જ એલએસીમાં તબદિલ થઈ જશે. બીજીતરફ, વરિષ્ઠ અધિકારીઓએ ભારપૂર્વક કર્યુ છે કે ભારતે સૈનિકોને હટાવવામાં કોઈ ઉતાવળ ન કરવી જોઈએ.