સોખડામાં ગુણાતીત સ્વામીની આત્મહત્યા મામલે FSLની ટીમ સોખડામાં
એજન્સી) સોખડા, હરિધામ સોખડામાં ૬૯ વર્ષીય ગુણાતીત ચરણદાસ સાધુએ બુધવારે સાંજે ૭થી ૭ઃ૨૦ વાગ્યા વચ્ચે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેને લઈને હરિભક્તોમાં ભારે આઘાત લાગ્યો છે. જાેકે સંતોએ ગુણાતીતસ્વામીનું કુદરતી મોત થયું હોવાનું જણાવ્યું હતું.
પરંતુ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે પહેલા જે કુદરતી મૃત્યુ હોવાનું ગણાવતા હતા તેમણે આખી વાતે ફેરવી તોળ્યું હતું અને કહ્યું હતું કે પરિવારજનોની વિનંતી બાદ સાધુના આપઘાતના સમાચાર બહાર વહેતા ન થાય એ માટે પોલીસને જાણ ન કરવામાં આવી હોવાનું સોખડાના સંતોએ પોલીસના નિવેદનમાં જણાવ્યું હતું.
આ તરફ હવે ગુણાતીત સ્વામીનું મૃત્યુ ક્યા કારણોસર થયું તે અંગેની અનેક તર્ક-વિતર્ક ચાલી રહી છે. જેની વચ્ચે વડોદરા એફએસએલની ટીમે યોગી આશ્રમના રૂમ નંબર ૨૧માં સવા કલાક સુધી તપાસ હાથ ધરી હતી. જેમાં ગળે ફાંસો કેવી રીતે ખાધો? ગળે ફાંસો ખાવા માટે કઇ વસ્તુનો કરાયો ઉપયોગ? રૂમમાં લોહીના નમૂનાની હાજરી છે કે નહીં?
વગેરે તપાસ હાથ ધરી હતી. પીએસઆઈ લાંબરિયાએ જણાવ્યું હતું કે સાધુના રૂમમાં ઝેડ આકારનો હૂક હતો, એમાં સાધુએ પોતાના ભગવા ગાતરિયાથી ગાળિયો બનાવ્યો હતો. ફાંસો ખાવા માટે ખુરશી ઉપર ડોલ અને એની ઉપર ઓશીકાના સહારો લઈને તેમણે આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે પોલીસે પ્રભુપ્રિયસ્વામી, સગાંવહાલાં મળી કુલ પાંચ જનનાં નિવેદનો નોંધ્યાં છે.
પીએસઆઈ લાંબરિયાએ વધુમાં જણાવ્યું હતું કે મંદિરના સીસીટીવી ફૂટેજમાં જાેતાં બુધવારે સાંજે સાત વાગે ગુણાતીતસ્વામી પોતાના રૂમમાં જતા દેખાય છે. જ્યારે સાંજે ૭ઃ૨૦ વાગે પ્રભુપ્રિયસ્વામી તેમના રૂમમાં જતા દેખાય છે.
પોલીસે ૪ લોકોનાં નિવેદન નોંધી મંદિરના સીસીટીવી ફૂટેજ, મૃતક સંતનો મોબાઈલ અને મૃતકે જે ગાતરિયાથી ગળાફાંસો ખાધો હતો એ કબજે લીધાં હતાં. પોલીસ હવે વિસેરાની રાહ જાેઈ રહી છે.
પ્રાપ્ત અહેવાલ મુજબ હરિભક્તોના જણાવ્યા અનુસાર, ગુણાતીત સાધુએ બે દિવસ પહેલાં સોખડામાંથી નીકળીને બાકરોલ મંદિરે પ્રબોધસ્વામી સાથે આવવાની વાત કરી હતી. તેઓ હરિધામ છોડવા માગતા હતાં, પરંતુ એનું કોઈ ચોક્કસ કારણ જણાવ્યું ન હતું. ગુણાતીત ચરણદાસ સાધુ છેલ્લાં ૪૦ વર્ષથી સાધુ તરીકે જીવ્યા હતા.