સોનભદ્રમાં ૩૦૦૦ ટન સોનાના ભંડાર પાસે દુનિયાના સૌથી ઝેરી સાપોનો વસવાટ

સોનભદ્ર, દેશના સૌથી પછાત જિલ્લામાં ગણાતા ઉત્તર પ્રદેશનો સોનભદ્ર જિલ્લો હવે દુનિયાના નકશા પર ચમકવા જઈ રહ્યો છે. અહીં ભૂ-વૈજ્ઞાનિકોને બે જગ્યાએ સોનાનો ભંડાર મળ્યો છે. પરંતુ જે જગ્યાએથી સોનાનો ભંડાર મળ્યો છે ત્યાં વિશ્વના સૌથી ઝેરી સાપોનો વસવાટ છે. વિશ્વના સૌથી ઝેરી સાપોમાં જેમની ગણતરી થાય છે તેવા રસેલ વાઇપર, કરૈત અને કોબરા મોટી સંખ્યામાં અહીં મળી આવે છે. કહેવામાં આવે છે કે સોનભદ્ર જિલ્લાના જુગલ થાણા વિસ્તારના સોન પહાડી ઉપરાંત દક્ષિણાંચલના દુદ્ધી તાલુકાના મહોલી વિંઠમગંજ ચોપન બ્લોકમાં મોટી સંખ્યામાં સાપ રહે છે.
વિશ્વમાં સૌથી ઝેરી સાપોની પ્રજાતિમાં જેની ગણતરી થાય છે તે રસેલ વાઇપર પ્રજાતિ પ્રદેશમાં એકમાત્ર સોનભદ્ર જિલ્લામાં મળી આવે છે. સોનભદ્રના ડીએફઓ વાઇલ્ડ લાઇફ સંજીવ કુમારે જણાવ્યું કે જ્યારે વન વિભાગ પાસેથી એનઓસી લેવાની પ્રક્રિયા શરૂ થશે ત્યારે અમે તપાસ કરીશું કે આ વિસ્તારમાં આવા કેટલા ઝેરી સાપ છે. તેમણે કહ્યું કે આ પહેલા અહીં રસેલ વાઇપર, કોબરા અને કરૈત પ્રજાતિના સાપ મળી આવતા હતા.આ દરમિયાન સોનાનો ભંડાર મળ્યા બાદ સરકારે ખાણોને ભાડે આપવા માટેની પ્રક્રિયા ઝડપી બનાવી છે. તેના ખોદકામ માટે હરાજીની પ્રક્રિયા પહેલા જીઓ ટેગિંગ કરવામાં આવી રહ્યું છે. આ જ ક્રમમાં જીએસઆઈ ખોદકામ વિસ્તારનો હવાઇ સર્વે કરાવી રહી છે. આ માટે બે હેલિકોપ્ટર તહેનાત કરવામાં આવ્યા છે.
હકીકતમાં હવાઇ સર્વે કરવા પાછળો ઉદેશ્ય એ તપાસવાનો છે કે આ વિસ્તારની કોઈ જમીન વન વિભાગ હેઠળ તો નથી આવી રહી ને? જો કોઈ જમીન વન વિભાગ હેઠળ આવતી હશે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી એનઓસી લેવાની પ્રક્રિયા થશે, જે બાદમાં જમીનનું સંપાદન થઈ શકશે. જે બાદમાં જમીનમાંથી સોનું કાઢવા માટે ખાણોને ભાડે આપવાની પ્રક્રિયા શરૂ થશે. આ પ્રક્રિયાથી વિશ્વના સૌથી ઝેરી સાપના રહેઠાણ પર ખતરો મંડાયો છે.