સોનાની કિંમત ૩૦ જુલાઈ બાદ ફરી ૫૦૦૦૦ને પાર
અમદાવાદ, દિવાળીના તહેવારો પછી અમદાવાદમાં બજારો ફરી એકવાર ખુલી ગયા છે. બુધવારે સોનાની કિંમતમાં ઉછાળો જાેવા મળ્યો હતો. બુધવારે ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૫૦,૦૦૦ રૂપિયા હતો. છેલ્લે ૩૦ જુલાઈના રોજ સોનાની કિંમત આટલી થઈ હતી. વિશ્લેષકો અને બુલિયન ટ્રેડર્સનું માનવું છે કે, સોનાની કિંમતમાં થયેલા વધારાનું કારણ ભારતીય રૂપિયા સામે મજબૂત થયેલો યુએસ ડોલર છે. બુધવારે ભારતીય રૂપિયા સામે યુએસ ડોલરનો ભાવ ૭૪.૪ હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં આંશિક વધારો થતાં અહીં પણ કિંમતો વધી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની માગ વધી છે પરિણામે ભાવમાં વધારો જાેવા મળ્યો છે. તદુપરાંત યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો ગગડ્યો છે. જેના કારણે પણ ભારતીય બજારમાં સોનાની કિંમત ઊંચી ગઈ છે, એમ સોની બાજરના એક જાણકારે કહ્યું હતું.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા પ્રમાણે, બુધવારે સાંજે સાડા છ વાગ્યે સ્પોટ ગોલ્ડ પ્રાઈસ (અત્યારે જે કિંમતે સોનાની લે-વેચ થતી હોય તે)માં સામાન્ય ઘટાડો થતાં પ્રતિ અઢી તોલાનો ભાવ ૧,૮૨૫.૬ ડોલર (આશરે ૧.૩૬ લાખ રૂપિયા) થયો હતો, તેમ છતાં સ્થાનિક બજારોમાં ભાવ મજબૂત રહ્યો હતો. કિમતમાં વધારો થયો હોવા છતાં જ્વેલર્સને અપેક્ષા છે કે, આગામી દિવસોમાં માગ સારી રહેશે.
અમદાવાદ સોની બજારના એક અગ્રણીએ કહ્યું, લાભ પાંચમથી ફરી બજારો ખુલ્યા ત્યારે મુહૂર્તમાં લોકો સોનું-ચાંદી ખરીદવા આવતાં માગ વધી હતી. લગ્નગાળો શરૂ થયો છે ત્યારે જ્વેલરી સ્ટોરમાં ગ્રાહકોનો ધસારો જાેવા મળ્યો હતો અને તેમણે મોટી ખરીદી પણ કરી હતી.
ગુજરાતભરના સોની વેપારીઓ માટે તહેવારની સીઝન એકંદરે સારી રહી હતી. દિવાળી પહેલા પુષ્યનક્ષત્ર અને ધનતેરસ દરમિયાન અંદાજિત ૭૫૦ કિલો સોનું વેચાયું હતું અને બાદમાં પણ મુહૂર્ત દરમિયાન સારી ખરીદારી થઈ હતી. સોનાનું મિલકત તરીકેનું મહત્વ લોકોને મહામારી દરમિયાન સમજાયું હતું. ઈક્વિટી અને મ્ય્ચુઅલ ફંડમાં પણ રોકાણ કરીને સારું વળતર મેળવી શકાય છે તેમ છતાં રોકાણકારોનો વિશ્વાસ સોનામાં અકબંધ છે, તેમ સોની બજારના અગ્રણીએ ઉમેર્યું.SSS