સોનાની લૂંટ કેસમાં સફળતા : ૩ની ધરપકડ
અમદાવાદ: અમદાવાદ શહેરના અંજલિ બ્રીજ પર તાજેતરમાં જ મુંબઈના વેપારી પાસેથી રૂ.૬૫ લાખના સોનાની લૂંટ મામલે પોલીસે આજે ત્રણ આરોપીઓને ઝડપી લઇ તેઓની પાસેથી લૂંટનું તમામ સોનુ પણ રિકવર કર્યું હતું. પકડાયેલા આરોપીઓ પૈકી આરોપી ઘનશ્યામ કાળીદાસ શ્રીમાળી અગાઉ હોમગાર્ડમાં નોકરી કરતો હોવાનું અને અગાઉ રાજસ્થાન ખાતે લૂંટના ગુનામાં પકડાયા બાદ હોમગાર્ડમાં ફરજ બજાવતો નહી હોવાની મહત્વની વિગતો સામે આવી હતી.
તેણે પોતાના સાગરિતો એહમદ ઉર્ફે ગોલી રહેમતખાન જાબાઝખાન પઠાણ અને ઇકબાલ ઉર્ફે શાહરૂખ ગફારભાઇ મહંમદભાઇની મદદથી આ લૂંટને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સનસનીખેજ આ લૂંટ કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાંખતાં ક્રાઇમબ્રાંચના સ્પેશ્યલ કમિશનર અજય તૌમરે જણાવ્યું હતું કે, ગત તા.૨૧-૧૧-૧૯ના રોજ ઉપરોકત પૂર્વ હોમગાર્ડ જવાન ઘનશ્યામ શ્રીમાળી શાસ્ત્રીબ્રીજ પોલીસ ચોકી ખાતે તેના મિત્ર કમરૂદ્દીન શેખ સાથે ઓટોરીક્ષામાં હાજર રહતો ત્યારે નારોલ સર્કલ તરફથી આવેલ ફાલકન લકઝરી બસના ચેકીંગ દરમ્યાન બે પેસેન્જરો નવીનભાઇ સંઘવી અને બિપીનભાઇને નીચે ઉતારી ચોકીમાં લઇ જઇ પૂછપરછ કરી તપાસ કરતાં તેમની પાસેના થેલામાં રૂ.૬૫.૯૨લાખથી વધુની રકમના સોનાના દાગીના મળી આવ્યા હતા.
બાદમાં આ પેસેન્જરોએ તેના શેઠ મહાવીરભાઇ મારફતે અમદાવાદ ખાતેના તેમના પરિચિત રમેશભાઇને બોલાવતાં તે પોતાની પાસેના એકટીવા સાથે શાસ્ત્રીબીજ પોલીસ ચોકી ખાતે પહોંચ્યા હતા. ઘનશ્યામ શ્રીમાળી અને કમરૂદ્દીન શેખ બધી વિગતોથી વાકેફોઇ કમરૂદ્દીને તેના મળતીયા એહમદ ઉર્ફે ગોલી તથા ઇકબાલ ઉર્ફે શાહરૂખનો સંપર્ક કરી બોલાવ્યા હતા અને આયોજનપૂર્વક લૂંટ કરવાનું નક્કી કર્યું હતું. બીજીબાજુ, નવીનભાઇ તથા રમેશભાઇ એકટીવા પર સોનાના દાગીના ભરેલો થેલો લઇ શાસ્ત્રીનગર બ્રીજથી વિશાલા સર્કલ થઇ અંજલિ બ્રીજ તરફ જવા નીકળ્યા હતા અને અન્ય પેસેન્જર બિપીનભાઇ રીક્ષામાં જવા નીકળ્યા હતા.
જેથી ઘનશ્યામ શ્રીમાળી અને કમરૂદ્દીને તેમની પાછળ રીક્ષામાં પીછો કર્યો અને તેમના મળતીયા એહમદ ઉર્ફે ગોલી તથા ઇક્બાલ ઉર્ફે શાહરૂખ વિશાલા સર્કલ પહેલાં મેટ્રો ટ્રેનના બ્રીજની નીચે સુઝુકી બર્ગબેન મોટરસાયકલ લઇ રાહ જાઇને ઉભા હતા. દરમ્યાન એકટીવા સવાર ઉપરોકત પેસેન્જર ત્યાં પહોંચતા ઘનશ્યામ અને કમરૂદ્દીને ઇશારો કરી બંનેને ઇશારો કરી અગાઉથી રાહ જાઇને ઉભેલા એહમદ અને શાહરૂખે અંજલિ બ્રીજ પર એકટીવાસવાર બને પેસેન્જર સાથે ઝપાઝપી કરી ધાકધમકી આપી સોનાના દાગીના ભરેલા બે ડબ્બા લૂંટીને ફરાર થઇ ગયા હતા.