સોનાનો સેટ અડધા ભાવે આપવાના નામે રુપિયા ખંખેર્યા
અમદાવાદ: અમદાવાદ શહેરમાં વધુ એક વેપારી ગઠિયાની સસ્તામાં વસ્તુ લેવાની લાલચમાં આવી જતા લાખો રૂપિયા ગુમાવી બેઠા છે. મૂળ રાજસ્થાનના અને હાલ અમદાવાદમાં રહેતા એક કેટરર્સને તેના સાઢુ ભાઈ થકી એક અજાણી વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો.
વાતચિતો બાદ આ ગઠિયાએ અમદાવાદ આવ્યો હોવાનું કહી તેની પાસે રૂપિયા ન હોવાથી સોનાની બુટ્ટી આ વેપારીને સસ્તામાં આપી હતી. બાદમાં થોડા માસ બાદ બીજી ફાયદાની ડિલ હોવાનું કહી નવેક લાખનો હાર પાંચ લાખમાં આપવાનું કહી ૪.૭૫ લાખ લઈને આ ગઠિયાએ કાગળના ડૂચા એક બોક્સમાં આપી દીધા અને ફરાર થઈ ગયો હતો.
જેથી આ મામલે કેટરર્સ વેપારીએ ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે. મૂળ રાજસ્થાનના રાધેશ્યામ જાેશી છેલ્લા વીસેક વર્ષથી અમદાવાદ શહેરમાં રહે છે. તેઓ કેટરર્સનો ધંધો ચલાવી પોતાના પરિવારનું ગુજરાન કરે છે. તેમની સાથે તેમના સાઢુભાઈ પણ છેલ્લા બે-ત્રણ વર્ષથી કામ કરે છે. કેટરર્સના ધંધા સિવાય રાધેશ્યામ ડ્રાઇવિંગનું કામકાજ પણ કરે છે. ગત ઓકટોબર ૨૦૨૦માં રાધેશ્યામના સાઢુભાઈ રાજસ્થાન ગયા હતા અને ત્યાં તેમની ઓળખાણ એક અજાણી વ્યક્તિ સાથે થઇ હતી.
જ્યારે રાધેશ્યામના સાઢુભાઈ પરત અમદાવાદ આવ્યા હતા ત્યારે અવારનવાર આ વ્યક્તિ સાથે ફોન પર વાતચીત કરતા હતા અને રાધેશ્યામને પણ તેઓ વાતચીત કરાવતા હતા. ત્યારે રાધેશ્યામએ પોતાના મોબાઈલ નંબર આ અજાણી વ્યક્તિને આપ્યો હતો અને તે વ્યક્તિનો નંબર પણ તેઓએ લીધો હતો. વર્ષ ૨૦૨૦ના નવેમ્બર માસમાં રાધેશ્યામને આ વ્યક્તિએ ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, તે અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે આવ્યો છે. પરંતુ તેની પાસે હાલમાં રૂપિયા નથી અને તેની પાસે એક સોનાની બુટ્ટી પડી છે.
આ શખ્સે રાધેશ્યામને જણાવ્યું કે, જાે તેઓ બુટ્ટી ખરીદી લે અને તેઓને રૂપિયા આપે તો તેમનું કામ નીકળી જાય. જેથી તે વ્યક્તિને મળવા રાધેશ્યામ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે ગયા હતા. ત્યારે તે વ્યક્તિ સાથે તેમની પ્રથમ મુલાકાત હતી. આ શખશે કાલુપુર રેલવે સ્ટેશન પાસે આવીને રાધેશ્યામ સાથે વાતચીત કરી હતી અને બાદમાં એક બુટ્ટી તેઓને બતાવી હતી. જે બુટ્ટી ની કિંમત ૪,૬૦૦ રૂપિયા કહી હતી.
પરંતુ રાધેશ્યામ પાસે ૩,૦૦૦ રૂપિયા હોવાથી તે બુટ્ટી તેઓને ત્રણ હજાર રૂપિયામાં જ આપી દીધી હતી. બાદમાં રાધેશ્યામ ત્યાંથી છુટા પડી પોતાના ઘરે ગયા હતા અને પોતાના ઓળખીતા સોનીને બુટ્ટી બતાવતા બુટ્ટી ખરી હોવાનું જણાયું હતું. જેથી તેઓને આ શખ્સ ઉપર વિશ્વાસ આવી ગયો હતો. ત્યારે આ શખ્સની માયાજાળમાં ફસાયેલા રાધેશ્યામને ફરી ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, તે અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન પાસે છે અને ફાયદો થાય તેવો એક સોદો તેની પાસે છે.
આ શખ્સે જણાવ્યું હતું કે, તેની પાસે એક સોનાનો સેટ છે જેની કિંમત ૮થી ૯ લાખ રૂપિયાની છે તે સોનાનો સેટ તે શખ્સ ચારથી પાંચ લાખ રૂપિયા સુધીમાં આપી જશે. જેથી રાધેશ્યામ તેને મળવા ગયા હતા અગાઉ આ શખ્સે સાચી સોનાની બુટ્ટી સસ્તામાં આપી હોવાથી રાધેશ્યામે વિશ્વાસ કરી ૪.૭૫ લાખ રૂપિયામાં આ સેટ તેની પાસેથી એક બેગમાં લીધો હતો. જાેકે, શખશે એક બોક્સ પેકીંગ કરીને બોક્સમાં સોનાનો સેટ છે અને રેલવે સ્ટેશન પર ભીડ હોવાથી બોક્સ ઘરે જઈને ખોલવાનું કહ્યું હતું.
જાેકે, બાદમાં રાધેશ્યામે કાળા કલરની બેગ ખોલી જાેતા તેમાં એક પ્લાસ્ટિકની થેલીનું કવર કરેલું બોક્સ હતું. જે બોક્સ ખોલીને જાેતાં તેમાં જુના પેપરના ડૂચા વાળીને મૂકેલા હતા. પરંતુ તેમાં કોઈ સોનાનો સેટ ન હતો. જેથી તે શખ્સ ના મોબાઈલ નંબર ઉપર ફોન કરતાં તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. રેલવે સ્ટેશન ખાતે અંદર અને બહારની સાઈડ આ વ્યક્તિની શોધખોળ કરતાં તે મળી આવ્યો ન હતો. જેથી રાધેશ્યામે આ બાબતને લઈને કાલુપુર પોલીસને જાણ કરતાં પોલીસે આ મામલે ગુનો નથી તપાસ શરૂ કરી છે.