સોના-ચાંદીની કિંમતોમાં આજે તેજી જાેવા મળી
નવીદિલ્હી: સોના-ચાંદીની કિંમતોમાં આજે તેજી જાેવા મળી છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનું વાયદો ૦.૭ ટકા વધીને ૪૮,૦૦૩ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર થઈ ગયું. તો બીજી તરફ ચાંદીનો ભાવ ૧.૨ ટકા ઉછળીને ૭૧,૯૪૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો. આ વર્ષે ૧૪ મેના રોજ અખા ત્રીજના દિવસે પણ સોનાનું વેચાણ પ્રભાવિત રહ્યું. વેપારીઓએ જણાવ્યું કે આ વર્ષે અખા ત્રીજ પર વેચાણ કોવિડથી પહેલા ૨૦૧૯ની તુલનામાં માત્ર ૧૦ ટકા જ રહ્યું. તેની સાથે જ સ્થાનિક લૉકડાઉનની પણ અસર જાેવા મળી છે.
બીજી તરફ, અગાઉના કારોબારી દિવસમાં પણ સોનાની કિંમતમાં ૦.૫ ટકાનો ઉછાળો જાેવા મળ્યો હતો અને ચાંદીની કિંમતમાં ૦.૯ ટકાની તેજી રહી હતી. ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો અમેરિકન ડૉલર અને ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડાના કારણે સોનાની કિંમત ૩ મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે. અહીં હાજર સોનું ૦.૬ ટકા વધીને ૧,૮૫૨.૩૯ ડૉલર પ્રતિ ઔંસ થઈ ગયું છે.
૨૪ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે દિલ્હીમાં ૧૦ ગ્રામની કિંમત ૫૦,૨૨૦ રૂપિયા, ચેન્નઈમાં ૪૯,૬૬૦ રૂપિયા, કોલકાતામાં ૪૯,૯૩૦ રૂપિયા અને મુંબઈમાં ૪૬,૦૮૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના લેવર પર કારોબાર કરી રહ્યું છે.નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે સોવરેન ગોલ્ડ બોન્ડનું પહેલું વેચાણ ૧૭ મે એટલે કે સોમવારથી શરુ થઈ ગયું છે. તે ૫ દિવસ સુધી ચાલશે એટલે કે આપની પાસે ૫ દિવસ બજારથી ઓછા ભાવમાં સોનું ખરીદવાની તક છે.
નાણા મંત્રાલયએ પોતાની વિજ્ઞપ્તિમાં જણાવ્યું કે, સોવરેન ગોલ્ડ બોન્ડ મેથી લઈને સપ્ટેમ્બરની વચ્ચે ૬ હપ્તામાં ઈશ્યૂ કરવામાં આવશે. રિઝર્વ બેંક એ તેના માટે ૪,૭૭૭ રૂપિયા પ્રતિ ગ્રામનો ભાવ નક્કી કર્યો છે. જે લોકો તેના માટે ઓનલાઇન અરજી કરશે અને ડિજિટલ પેમેન્ટના માધ્યમથી ચૂકવણી કરશે, તેમને પ્રતિ ગ્રામ ૫૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.