સોના-ચાંદીનો ભાવ આસમાને, પહેલીવાર ચાંદી રેકોર્ડબ્રેક ભાવે
નવી દિલ્હી, એકબાજુ કોરોના મહામારી દિવસે દિવસે વધી રહી છે. તો બીજી તરફ મોંઘવારીમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. દેશમાં સોના અને ચાંદીના ભાવોમાં તેજીનો સિલસિલો યથાવત છે. બુધવારે આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલા જોરદાર ઉછાળાથી ભારતીય બજારમાં ચાંદીનો ભાવ રૂ.61 હજાર પ્રતિ કિલોગ્રામને પાર કરી ગયો છે. જ્યારે સોનાનો ભાવ 50 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને તોડવામાં સફળ રહ્યો. બુધવારે ભારતીય બજારમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 61,200 રૂપિયા રહ્યો. છેલ્લા સાત વર્ષમાં ચાંદીનો આ સૌથી વધુ ભાવ છે. માર્ચમાં નીચલા સ્તરથી ચાંદીના ભાવમાં 80 ટકાનો ઉછાળો આવ્યો છે.
વર્ષ 2020માં તેમાં 30 ટકાની તેજી નોંધાઇ છે. કોરોના વાયરસના કેસ વધવાથી રોકાણકારોનું વલણ સેફ હેવન અસેટમાં વધ્યું છે જેના કારણે સોના અને ચાંદીના ભાવ ઓલટાઇમ હાઈ પર પહોંચી ગયા છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર ચાંદી સપ્ટેમ્બર એક્સપાયરી અનુબંધમાં બુધવાર ગત સત્રના મુકાબલે 3208 રૂપિયા એટલે કે 5.59 ટકાની તેજી સાથે 61,150 રૂપિયા પ્રતિ કિલો પર કારોબાર ચાલી રહ્યો હતો. MCX પર ચાંદી 58,000 રૂપિયાના ભાવ પર ખુલી અને કારોબાર દરમિયાન 61,200 રૂપિયા પ્રતિ કિલોગ્રામના હાઈ પર પહોંચી ગયો.
કોરોના કાળમાં રોકાણ સુરક્ષિત વિકલ્પની તરફ રોકાણકારોનું વલણ વધવાથી સોના-ચાંદીના ભાવમાં સપોર્ટ મળી રહ્યો છે. કોરોનાના કારણે માઇનિંગ કાર્ય પ્રભાવિત થવું અને આપૂર્તિમાં અડચણ ઊભી થવાથી ચાંદીના ભાવમાં વધુ તેજી જોવા મળી રહી છે. આવનારા દિવસોમાં ચાંદીનો ભાવ રૂ.62 હજાર પ્રતિ કિલોગ્રામ જઈ શકે છે.
સોનાના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 50,000 રૂપિયાને પાર કરી ગયો. બુધવારે સોનું 49,931 રૂપિયાના ભાવે ખુલ્યો અને કારોબાર દરમિયાન 50,077 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઉચ્ચતર સ્તરે સ્પર્શ્યો. સોનાના ભાવમાં હજુ વધુ તેજી આવશે. એક મહિનામાં સોનાનો ભાવ 51 હજારથી 52 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે સ્પર્શી શકે છે.