સોનિયા ગાંધી અને પ્રિયંકાની સુરક્ષા સીઆરપીએફની મહિલા વિંગના હાથમાં

નવીદિલ્હી, કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી, રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંઘના ધર્મપત્નિ ગુરુશરણ કૌરની સુરક્ષા હવે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની મહિલા વિંગના હાથમાં સોંપવામાં આવી છે.
હવે સીઆરપીએફની મહિલા કમાન્ડો આ વીવીઆઇપી લોકોની સુરક્ષા સંભાળશે. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને અપાયેલું સ્પેશિયલ પ્રોટેક્શન ગુ્રપ (એસપીજી)નું સુરક્ષા કવચ પાછુ ખેંચી લીધા બાદ કેન્દ્રિય ગૃહ મંત્રાલયે તેઓને સીઆરપીએફની ઝેડ પ્લસ કક્ષાની સુરક્ષાનું કવચ પૂરુ પાડયું છે. રાહુલ અને પ્રિયંકા ગાંધીને ચોવીસ કલાક ઝેડ પ્લસ કક્ષાનું સુરક્ષા કવચ ઉપલબ્ધ કરાવાયું છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે તાજેતરના ભૂતકાળમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંઘનું એસપીજી સુરક્ષા કવચ પણ પાછુ ખેંચી લીધુ હતું અને ત્યારબાદ ગાંધી પરિવારના સભ્યો એટલે કે સોનિયા પ્રિયંકા અને રાહુલ ગાંધીનું એસપીજી સુરક્ષા કવચ પણ પાછુ ખેંચી લીધું હતું અને તેના બદલામાં તેઓને સીઆરપીએફનું ઝેડ પ્લસ કક્ષાનું સુરક્ષા કવચ પૂરુ પડાયું હતું.
આ વીવીઆઇપી લોકોને ઝેડ પ્લસ કક્ષાની સુરક્ષા પૂરી પાડવા સીઆરપીએફની આખી એક અલગ બટાલિયન ઉભી કરવામાં આવી છે. જાે કે સીઆરપીએફના સુરક્ષા કવચમાં રહેલા જવાનો રાહુલ, પ્રિયંકા કે સોનિયા ગાંધી કે ડો. મનમોહન સિંઘ વિદેશ જાય ત્યારે તેઓની સાથે વિદેશ જતા નથી. અલબત્ત ગાંધી પરિવારના સભ્યોની સુરક્ષા માટે એસપીજીના બુલેટપ્રુફ વાહનો જ પૂરા પાડવામાં આવશે કેમ કે સીઆરપીએફના અધિકારીઓએ જ આ વાહનોની માંગણી કરી હતી.HS