સોનિયા ગાંધી પોતાનો જન્મદિવસ નહીં ઉજવે
નવી દિલ્હી: કૃષિ કાયદાઓની વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. તેમના આ આંદોલનનો આજે ૧૩મો દિવસ છે અને આજે તેઓએ ભારત બંધનું આહ્વાન આપ્યું છે. તેમના આ ભારત બંધના આહ્વાનને કાૅંગ્રેસ સહિત ૨૦થી વધુ પાર્ટીઓએ સમર્થન આપ્યું છે. આ દરમિયાન કાૅંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના જન્મદિવસને લઈ જાહેરાત કરી છે.
તેઓએ એલાન કર્યું છે કે તેઓ કૃષિ કાયદાઓની વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન અને કોવિડ-૧૯ મહામારીની સ્થિતિના કારણે ૯ ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ નહીં ઉજવે. નોંધનીય છે કે, દેશના અનેક હિસ્સામાં અને ખાસ કરીને દિલ્હીથી સરહદો પર ખેડૂતો છેલ્લા ૧૩ દિવસતી કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે. તેમની માંગ છે કે સરકાર આ કૃષિ કાયદાઓને પરત લે. તેની સાથે જ આજે ખેડૂતોએ ભારત બંધનું પણ આહ્વાન આપ્યું છે.
તેના માટે તેમને ૨૦થી વધુ રાજકીય પાર્ટીઓનું સમર્થન પણ મળ્યું છે. આ પહેલા થયેલી પાંચ ચરણની વાતચીત કોઈ પરિણામ વગરની રહી હતી. માનવામાં આવી રહ્યું છે કે ૯ ડિસેમ્બરે ખેડૂતો અને સરકારની વચ્ચે કેટલાક સમાધાન પર સહમતિ સધાઈ શકે છે.