સોનું રૂ.૫૭,૧૦૦ અને ચાંદી રૂ. ૭૨,૦૦૦ની નવી ઊંચી સપાટીએ
મુંબઇ, કોરોના વાઇરસની મહામારી વૈશ્વિક ધોરણે વધુ ફેલાતા સલામત રોકાણ તરીકે લોકો અત્યારે સોના અને ચાંદી જેવી કીમતી ધાતુઓને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે અને તેના પરિણામે આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના અને ચાંદી જેવી કીમતી ધાતુઓમાં ભાવો વધુ ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. તેની અસરે અમદાવાદ સોના અને ચાંદી બજારમાં પણ આજે બન્ને કીમતી ધાતુઓના ભાવોમાં રોકેટ ગતિએ ઉછાળો જોવા મળ્યો હતો. અમદાવાદમાં આજે સોના અને ચાંદી બજારમાં ચાંદીમાં રૂ. ૭,૫૦૦ નો જંગી ઉછાળો આવ્યો હતો અને ચાંદી (૯૯૯) ચોરસાનો ભાવ ગઇકાલના બંધ રૂ. ૬૪,૫૦૦ ની સામે આજે વધીને રૂ. ૭૨,૦૦૦ની નવી ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. એ જ પ્રમાણે ચાંદી રૂપુનો ભાવ પણ ગઇકાલના બંધ રૂ ૬૪,૩૦૦ ની સામે આજે વધીને રૂ.૭૧,૮૦૦ની નવી ઊંચી સપાટીએ આવી ગયો હતો. જોકે ચાંદીના સિક્કાનો ભાવ એક નંગના રૂ ૫૭૫/૭૭૫ બોલાતો હતો.
એ જ પ્રમાણે સ્ટાન્ડર્ડ સોના (૯૯૯) માં પણ આજે રૂ. ૧,૪૦૦ નો જબરદસ્ત ઉછાળો આવ્યો હતો અને ભાવ ગઇકાલના બંધ રૂ.૫૫,૭૦૦ની સામે આજે રૂ.૫૭,૦૦૦ની સપાટી કુદાવી દિવસના અંતે રૂ.૫૭,૧૦૦ની ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો હતો. એ જ પ્રમાણે સોનું તેજાબીના ભાવમાં પણ ગઇકાલના બંધ રૂ. ૫૫,૫૦૦ ની સામે આજે રૂ. ૧,૪૦૦ ના ઉછાળા સાથે આજે રૂ. ૫૬,૯૦૦ ની નવી ઓલ ટાઇમ હાઇ સપાટી જોવા મળી હતી. અમદાવાદમાં હોલમાર્ક સોનાના ભાવમાં પણ રૂ. ૧,૩૭૫ નો ઉછાળો આવ્યો હતો અને ગઇકાલના બંધ રૂ. ૫૪,૫૮૫ ની સામે આજે રૂ. ૫૫,૯૬૦ ની નવી ઊંચી સપાટીએ ભાવ પહોંચ્યો હતો.
વૈશ્વિક બજારોમાં સોનાનો કોમેક્સ ડિસેમ્બર ડિલિવરી વાયદો ઔંસ દીઠ ૧.૭૭ ટકા એટલે કે ૩૫.૮૦ ડોલરના ઉછાળા સાથે ૨૦૫૬.૮૦ ડોલરની ઊંચી સપાટીએ ટ્રેડ થતો હતો. તેની સાથે સોનું હાજર ૧.૧૩ ટકા એટલે કે ૨૨.૮૬ ડોલર વધીને ૨,૦૪૨.૦૭ ડોલરે ટ્રેડ થતું હતું. જોકે સોનાની સરખામણીમાં ચાંદીમાં વધુ મોટો ઉછાળો આવ્યો હતો અને ચાંદીનો કોમેક્સ સપ્ટેમ્બર ડિલિવરી વાયદો ઔંસ દીઠ ૪.૧૨ ટકા એટલે કે ૧.૦૭ ડોલરના ઉછાળા સાથે ૨૭.૧૦ ડોલરની ઊંચી સપાટીએ ટ્રેડ થતો હતો અને ચાંદી હાજરમાં ઔંસ દીઠ ૩.૫૮ ટકા એટલે કે ૦.૯૩ ડોલર વધીને ૨૬.૯૪ ડોલરની ઊંચી સપાટીએ ટ્રેડ થતી હતી. બીજી બાજુ દિલ્હીમાં સોનું (૯૯૯) ૨૪ કેરેટ ૧૦ ગ્રામ દીઠ રૂ. ૧,૪૪૪ ઉછળીને રૂ. ૫૫,૪૪૮, તેની સાથે સોનું (૯૯૫) ૨૩ કેરેટ ૧૦ ગ્રામ દીઠ રૂ. ૧,૪૩૮ ઉછળીને રૂ.૫૫,૨૨૬ બોલાયું હતું. જ્યારે ચાંદી (૯૯૯) એક કિલોએ રૂ. ૬,૪૬૫ ઉછળીને રૂ. ૭૧,૨૦૦ બોલાઇ હતી.