સોનુ સુદ પોઝિટિવ હોવા છતાં લોકોને મદદ કરી રહ્યો છે
મુંબઈ: કોરોનાકાળમાં સરકારની સાથે સાથે અનેક લોકો પણ આગળ આવીને લોકોની મદદ કરી રહ્યા છે. આ લોકોમાં એક નામ સોનુ સૂદનું પણ છે. ગયા વર્ષે લોકડાઉન શરૂ થયું ત્યારથી અત્યાર સુધી તેણે અનેક પ્રવાસી મજૂરો અને જરૂરતમંદ લોકોની મદદ કરી છે. કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલમાં બેડ, ઈન્જેક્શન અને ઓક્સિજન માટે પડાપડી થઈ રહી છે ત્યારે સોનુ સૂદ શક્ય હોય તેટલી લોકોની મદદ કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે સોનુ પોતે કોરોનાથી સંક્રમિત છે અને અત્યારે ક્વોરન્ટાઈનમાં છે. પરંતુ કોરોના થયા પછી પણ મદદનો સિલસિલો રોકાયો નથી. તે ફરી એકવાર પોતાના ઘર તરફ પાછા ફરી રહેલા પ્રવાસીઓની મદદ કરી રહ્યા છે અને સાથે સાથે કોરોના સંક્રમિત દર્દીઓની પણ મદદ કરી રહ્યા છે. પોતે કોરોના પોઝિટિવ હોવા છતા મદદ માંગી રહેલા મહત્તમ લોકોને તે જવાબ આપી રહ્યા છે.
તાજેતરમાં જ ટીવી શૉના પ્રોડ્યુસર અરુણ શેષકુમારે ટિ્વટ કરીને સોનુ પાસે મદદ માંગી. તેમણે લખ્યું કે, સોનુ ભાઈ, ઉમેશ જી અમારા કેમેરામેન છે. તેમના પરિવારને મદદની જરૂર છે. મહેરબાની કરીને મદદ કરશો. આના જવાબમાં સોનુએ લખ્યું કે, આગામી ૧૫ મિનિટમાં તેમને આઈસીયૂ બેડ મળશે. તૈયાર રહો, ચાલો તેમને બચાવી લઈએ. પ્રોડ્યુસર અરુણ શેષકુમારે ફરીથી ટિ્વટ કરીને સોનુનો આભાર વ્યક્ત કર્યો અને લખ્યું કે, સોનુ ભાઈ, ઉમેશના પરિવારને બેડ મળી ગયો છે.
તમે રોકસ્ટાર છો. ખુબ ખુબ આભાર. મંગળવારના રોજ સોનુએ એક ટિ્વટ કરીને જાણકારી આપી કે, ૨૦ એપ્રિલના રોજ તેની પાસે ઈમર્જન્સી બેડ્સ માટે ૪૧૭ લોકોએ મદદ માંગી, તે ૨૦૪ લોકોની મદદ કરી શક્યા. કાલની સરખામણીમાં આ આંકડો સારો છે. એક ટિ્વટર હેન્ડલ શ્રેયા શ્રીવાસ્તવે પોતાના ચાચાનું જીવન બચાવવા માટે રાયપુરમાં રેમડેસિવીર ઈન્જેક્શન માટે મદદ માંગી હતી. સોનુએ જવાબ આપ્યો કે, આગામી ૩૦ મિનિટમાં ઈન્જેક્શન તમારા હાથમાં હશે.
આવા અનેક કિસ્સાઓ તમને સોનુ સૂદની ટિ્વટર ટાઈમલાઈન પર જાેવા મળશે, જ્યાં લોકો તેની પાસે મદદ માંગી રહ્યા છે અને તે શક્ય હોય તેટલા પ્રયાસ કરીને લોકોને મદદ પૂરી પાડી રહ્યો છે. મદદ મળ્યા પછી લોકો સોનુને આશિર્વાદ આપે છે અને તેમના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના પણ કરે છે.