સોનુ સૂદે લોકડાઉનમાં દોઢ લાખથી વધુને ઘરે પહોંચાડ્યા
મુંબઈ: કોરોના વાયરસની આ મહામારીમાં બોલિવૂડ એક્ટર સોનુ સૂદે ગરીબ પ્રવાસી મજૂરો અને મજબૂર વ્યક્તિઓને શક્ય તમામ મદદ કરી. લોકડાઉનના સમયગાળામાં સોનુ સૂદે ૧ લાખ ૫૦ હજાર કરતા વધારે પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડ્યા.
સોનુ સૂદે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે મારા ઘરની બહાર ૨૫૦૦ લોકો લાઈનમાં ઊભા રહેતા હતા અને મેં અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ લોકોને પોતપોતાના ઘરે પહોંચાડ્યા છે. જ્યારે વિદેશોમાં ફસાયેલા ૬૭૦૦ લોકોને ભારત લાવવામાં મદદ કરી છે. શું સોનુ સૂદ આગળ જતા રાજકારણમાં પ્રવેશ કરશે? આ વિશે વાત કરતા સોનુ સૂદ જણાવે છે કે મને ઘણી જગ્યાએથી ઓફર આવી છે. મને ઘણી પાર્ટીઓમાંથી ઓફર મળી છે પણ મને આમાં કોઈ રુચિ નથી.
મેં તેઓને કહ્યું કે હું જે કરી રહ્યો છું તે મને કરવા દો. આજે ૪૭ ડોક્ટર્સ મારી સાથે જાેડાયેલા છે અને અમે ડોક્ટર્સને કહ્યું છે કે કોઈ ગરીબ વ્યક્તિ પાસેથી સર્જરી માટે પૈસા લેશો નહીં, ફી અમે લોકો ભરી દઈશું. સોનુ સૂદ જણાવે છે કે જે લોકો મને સન્માન અથવા ટ્રોફી આપવા માગે છે
તેઓને હું હવે ડોનેશન આપવા માટે જણાવું છું. હું તેમને કહું છું કે તમે મને ટ્રોફી આપવાની જગ્યાએ મને તમારા ડોક્ટર અને નર્સ આપો. હું તમને દર્દી આપી રહ્યો છું. અમે લોકો દરરોજ ૨૪-૨૫ સર્જરી કરાવી રહ્યા છીએ. હવે તો હું પણ થોડો ઘણો ડોક્ટર બની ગયો છું. હવે તો ફિલ્મ ડિરેક્ટર્સ પણ મને વિલનનો રોલ આપતા પહેલા વિચારી રહ્યા છે.