Western Times News

Gujarati News

સોમનાથઃ પાર્વતી માતાજીના ૭૧ ફુટ ઊંચા મંદિરનો શિલાન્યાસ પ્રધાનમંત્રી કરશે

અમદાવાદ, પ્રથમ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ૭૧ ફૂટ ઊંચાઇ ઘરાવતા પાર્વતી માતાજીના દિવ્ય ભવ્ય નૂતન મંદિરના નિર્માણની શિલાન્યાસ વિઘિ તા.૨૦ ઓગષ્ટના રોજ ટ્રસ્ટના ચેરમેન એવા પ્રઘાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી વર્ચ્‌યુઅલ રીતે કરી નિર્માણ કાર્યનો પ્રારંભ કરાવનાર છે. આ મંદિર સોમનાથ મંદિરના પરિસરમાં યજ્ઞશાળા પાસે બનશે.

દેવાધિદેવ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરના સંકુલમાં આદ્યશક્તિ જગદંબામાં પાર્વતીજીના નૂતન મંદિરના નિર્માણનો પ્રારંભ થનાર છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરીના માર્ગદર્શન હેઠળ નિર્માણ કાર્ય શરૂ કરવાની સંપૂર્ણ તૈયારી પુર્ણ કરાયેલ છે.

સોમનાથ મંદિર સંકુલમાં આદિકાળથી માતા પાર્વતીજીનું મંદિર હોય જે પ્રાચીન મંદિરનો જમીની ભાગ હાલ નવ નિર્માણ થઇ રહેલ છે. સોમનાથ મંદિરની પાછળના ભાગે કલાકૃતીસભર માત્ર ઓટલા આકાર નજરે પડે છે, જે સ્થળે નવું મંદિર ટેકનિકલ વ્યવસ્થાના કારણે બાંધી શકાય તેમ ન હોવાથી હાલ સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર પાસે આવેલી યજ્ઞશાળાની બાજુમાં નવું પાર્વતી માતાજીનું મંદિર બાંધવાનું ટ્રસ્ટ દ્રારા નકકી કરાયેલ છે.

હાલ પાર્વતીજીનું મંદિર બનાવવા માટે પાયા ખોદવાનું કાર્ય શરૂ કરાયેલ હોય જેમાં વીસેક જેટલા શ્રમિકો કામ કરી રહયા છે. તો સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમારે જણાવેલ કે, દેશભરમાં જયાં મોટા શિવ મંદિરો છે તેની બાજુમાં મા પાર્વતીનું મંદિર હોય છે અને ગંગાજી, ગણપતિજી, હનુમાનજી અને ભગવાન શિવ સહિત શિવ પંચાયતના મંદિરો સાથે જ હોય છે. જે પરંપરા જાળવવા માટે સોમનાથમાં માં પાર્વતીજીનું મંદિરનું નિર્માણ કરવાનું નકકી કરાયેલ છે.

સોમનાથ તીર્થમાં શિવ અને શક્તિના સમન્વય સમું નિર્માણ થનાર પાર્વતી મંદિર ૭૧ ફૂટની ઊંચાઇ ધરાવતું હશે. મંદિર અંબાજી પંથકના શ્વેત (સફેદ) આરસપહાણ પથ્?થરોનું બનશે. જેની પ્લેન્થ એરીયા ૧૮,૮૯૧ ચોરસ ફૂટ સાથે ૬૬ કોલમ એટલે કે પીલરનું બાંઘકામ થશે. સંપૂર્ણ મંદિર બે થી ત્રણ વર્ષમાં બની જશે. મંદિરમાં સભા મંડપ, ગર્ભગૃહ વિભાગો હશે.

પાર્વતી માતાજીના સભા મંડપનું લેવલ હાલના સોમનાથ મંદિર જેટલું સમકક્ષ હશે. મંદિરનું ગર્ભગૃહ ૧૪ બાય ૧૪ ફૂટ રહેશે. મંદિર લાઇટીંગ રોશનીથી સુશોભિત કરાશે. દિવ્યાંગ, અપંગ દર્શનાર્થીઓ માટે મંદિરના પગથીયાં પાસે વ્હીલ્ચેર સહિત મંદિરમાં પહોંચી શકે તેવા ઢોળા બનાવાશે.

સોમનાથ મંદિરની જેમ દક્ષિણ દ્વારેથી સમુદ્ર દર્શન પણ થઇ શકશે. સોમનાથ મંદિરના સ્વપ્નદ્રષ્ટા સરદાર વલ્લભભાઇ પટેલની સોમનાથ મંદિર પરિસરમાં આવેલી પ્રતિમા જેમ સોમનાથ મંદિર સન્મુખ જ માતા પાર્વતીજીનું મંદિર બનશે તેમ જાણવા મળેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.