સોમનાથ મંદિર ખાતે અતિરૂદ્ર મહાયજ્ઞનો પ્રારંભ
પંચદિવસીય યજ્ઞમાં લાખો આહુતિ યજ્ઞનારાયણ દેવને અર્પણ કરવામાં આવશે.
અમદાવાદ નિવાસી જીતેન્દ્રભાઇ ભૂપેન્દ્રભાઇ પટેલ પરિવારના મુખ્ય યજમાન પદે તા.૮ ઓક્ટોબર ૨૦૧૯ થી તા.૧૨ ઓક્ટોબર ૨૦૧૯ દરમ્યાન અતિરૂદ્ર મહાયજ્ઞ યોજાશે. યજ્ઞનો સમય સવારે ૮-૩૦ થી બપોરે ૧-૦૦ સુધી તેમજ બપોરે ૨-૩૦ થી સાંજે ૬-૦૦ સુધી રહેશે. ભાગ્યે જ યોજાનાર યજ્ઞો પૈકીનો આ પુણ્યકારી યજ્ઞ છે. આ યજ્ઞના દર્શનનો લ્હાવો લેવા સૌ ભક્તોને હાર્દિક નિમંત્રણ છે.
કર્મકાંડમાં વિશેષકરીને યજ્ઞોનું પ્રાધાન્ય છે, વેદોનો મુખ્ય વિષય યજ્ઞ છે. યજ્ઞ દ્વારા સમગ્ર સંસારનુ કલ્યાણ થાય છે, યજ્ઞમાં લોક કલ્યાણની ભાવના વિશેષ રૂપથી વિદિત હોય છે. यज्ञोङपि तस्यै जमतायै कल्पते । યજ્ઞમાં અપૂર્વ શક્તિ છે. યજ્ઞથી જે શુભ સંકલ્પ શુભ મનોકામના પ્રાપ્ત થાય છે.
યજ્ઞના ભિન્ન ભિન્ન ઘણા પ્રકારો છે તેમાં શિવ યજ્ઞ એટલે કે લઘુરૂદ્ર યજ્ઞ, મહારૂદ્ર યજ્ઞ, અને યજ્ઞનો રાજા એટલે કે અતિરૂદ્ર યજ્ઞ કહેવાય છે.
ભગવાન શિવ એટલે કલ્યાણકારક શંકર એટલે शं करोति જે શાંતિ આપે મૃત્યુજય એટલે મૃત્યુને જીતાડી શાશ્વત મુક્તિ આપે. આ ભગવાન શિવશંકરની પ્રસન્નતા માટે અનેક પ્રકારની પૂજા પધ્ધતિઓ આચરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે રૂદ્રાભિષેક અતિ મહત્વનો અને શીધ્ર ફલદાયી છે. એ બે રીતે થાય છે.
જેમાં શિવલિંગ ઉપર દૂધ અથવા પાણીથી અભિષેક કરવામાં આવે તે અભિષેકાત્મક અને ઘી અને તલ દ્વારા રૂદ્રમંત્રોથી આહુતિ આપવામાં આવે તે હોમાત્મક. એ રૂદ્રાભિષેક લઘુરૂદ્ર, મહારૂદ્ર અને અતિરૂદ્ર પ્રકારે કરવામાં આવે. આ રૂદ્રયાગથી જન્મ જન્માન્તરાર્જિત કર્મફળનું સુફળ મળે છે. અને નિર્વિકલ્પ, નિર્વિકાર, નિરામય, નિરાલંબ, નિર્વાણ મુક્તિની પ્રાપ્તિ થાય છે. આધિદૈવિક, આધિભૌતિક, અને આધ્યાત્મિક એમ ત્રણે પ્રકારનાં શાશ્વત સુખ જે નિર્વાણ મુક્તિ કહેવાય તે મળે છે.