સોમનાથ મહાદેવના સાનિધ્યમાં માસિક શિવરાત્રી પર્વે જ્યોત પૂજન અને મહા આરતી કરવામાં આવ્યા
અમરેલીના શિવ દરબાર આશ્રમના ઉષા મૈયા, સરકારના વન પર્યાવરણ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા જ્યોત પૂજનમાં જોડાયા
સોમનાથ, પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં પ્રત્યેક માસની કૃષ્ણ પક્ષની તેરસ ને માસિક શિવરાત્રી નિમિત્તે ઉજવવામાં આવે છે ત્યારે આજરોજ સોમનાથ મહાદેવને માસિક શિવરાત્રી ના અવસર પર વિશેષ પાઘનો શૃંગાર કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારના વન પર્યાવરણ અને પ્રવાસનમંત્રી શ્રી મુળુભાઈ બેરા, શિવ દરબાર આશ્રમના ઉષા મૈયા, મહામંડલેશ્વર રમજુબાપુ સોમનાથ ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ, વેરાવળ પાલિકા પ્રમુખ પિયુષભાઇ ફોફંડી, ટ્રસ્ટના જનરલ મેનેજર, એક્ઝીક્યુટીવ ઓફિસર સહિતના મહાનુભાવો જ્યોત પૂજનમાં જોડાયા હતા.
જ્યોત પૂજન બાદ મધ્યરાત્રીએ સોમનાથ મહાદેવની મહા આરતી કરવામાં આવી હતી. માસિક શિવરાત્રિ પર્વે સોમનાથ માં વિશેષ શ્રદ્ધા સાથે હજારો ભક્તો સોમનાથ દર્શને પહોંચ્યા હતા. માસિક શિવરાત્રિ એ માત્ર સોમનાથના સ્થાનિક લોકો જ નહિ પરંતુ સોમનાથ મહાદેવના રાજ્યભરના શ્રદ્ધાળુઓ માટે ઉત્સવ બની છે. જેથી સોમનાથ મહાદેવની માસિક શિવરાત્રી પર્વ મંદિર પરિસર હરહર મહાદેવ અને જય સોમનાથ ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.