સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર આજથી ખુલ્યા

ગીરસોમનાથ, વૈશ્વિક મહામારી કોરોના વચ્ચે લાખો શિવ ભકતો મનોમન જે પ્રર્થના કરી રહ્યા હતા અને શિવજીના પ્રત્યક્ષ દર્શનની કામના કરી રહ્યા હતા તે આજે સોમવારે સાર્થક થશે. સરકાર દ્વારા ‘અનલોક ૧’ માં ૮ જૂનથી મંદિરો સહિતના ધર્મસ્થાનોના દ્વાર ખોલવા મંજૂરી આપી છે. પરંતુ તે જરૂરી શરતોને આધીન છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર ટ્રસ્ટોના સંચાલકો સાથે વીડિયો કોન્ફ્રેન્સ યોજી સરકારની ગાઈડલાઇનથી વાકેફ કર્યા હતા.
કરોડો હિન્દુઓની આસ્થાના કેન્દ્ર સમાન દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર પણ સોમવારે ૮ જૂનથી ખુલી રહ્યા છે. ત્યારે ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા સરકારની ગાઈડલાઇન વિશે જણાવેલ કે, સોમનાથ મંદિરમાં અનેકવિધ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં એક કલાકમાં માત્ર ૩૦૦ વ્યક્તિ સોમનાથના દર્શન કરી શકશે. ઉપરાંત, ગીરસોમનાથ જિલ્લા બહારથી આવતા દર્શનાર્થીઓએ ૧૨ જૂન બાદ જ સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ પર અગાઉથી રજીસ્ટ્રેશન કરી અને નિશ્ચિત સમયની કન્ફોર્મેશન લઈને દર્શન કરવા આવવાનું રહેશે.
સાથે જ સોમનાથમાં ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકો અને ૧૦ વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નિષેધ કરાશે. સોમનાથ મંદિર ખાતે સોશિયલ ડિસ્ટેન્સિંગ જળવાઈ રહે તે માટે પણ ક્લોક રૂમથી લઈ મંદિર સુધી એક-એક મીટર પર રાઉન્ડ બનાવી દેવાયા છે. તેમજ પ્રવેશ પૂર્વે સેનિટાઈઝર કેબીનોમાંથી પસાર થવું પડશે. તેમજ માસ્ક ફરજિયાત પહેરવાનું રહશે. આ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. ૭૫ દિવસ બાદ સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલવાના સમાચારથી સ્થાનિક સોમપુરા તીર્થ પુરોહિત સમુદાય સહિત નાના-મોટા ધંધાર્થીઓને હોટલ સંચાલકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે અને સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે.