સોમવારથી મુંબઇની લોકલ સૌને માટે ખુલ્લી થશે
મુંબઇ, સોમવાર પહેલી ફેબ્રુઆરીથી મુંબઇ મહાનગરની લોકલ ટ્રેનોમાં તમામ લોકો ચોક્કસ શરતો સાથે ખુલ્લી મૂકાવાની જાહેરાત કરવામાં આવી હતી.
અત્યારે કરાયેલી જાહેરાત મુજબ હાલ રોજ સવારે સાત વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી અને સાંજે ચાર વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી લોકલ ટ્રેન માત્ર જીવનજરૂરી સેવા આપનારા કર્મચારીઓ માટે ખુલ્લી રહેશે. આ સમય દરમિયાન આમ જનતા લોકલમાં પ્રવાસ કરી નહીં શકે. કોરોના પહેલાં સવારના ચાર વાગ્યાથી રાત્રે એક વાગ્યા સુધી ટ્રેનો દોડતી હતી.
પશ્ચિમ અને મધ્ય રેલવેની લોકલ મુંબઇની લાઇફલાઇન (જીવનરેખા ) ગણાય છે. રોજ સરેરાશ પચાસથી સાઠ લાખ લોકો કોરોના પહેલાં લોકલમાં આવજા કરતા હતા. પંદરસો ઉતારુની ક્ષમતા ધરાવતા દરેક ડબ્બામાં ધસારાના સમયે પાંચથી છ હજાર ઉતારુઓ પ્રવાસ કરતા હતા. હૈયે હૈયું દળાય એવી ભીડ થતી હતી.
સાથેાસાથ એ પણ નોંધવું જોઇએ કે રોજ ટ્રેનના છાપરા પર પ્રવાસ કરનારા સંખ્યાબંધ સાહસિક યુવાનો વીજળીના 25 હજાર વોટના આંચકાથી મૃત્યુ પામતા હતા. એજ રીતે પાટા ક્રોસ કરનારા સંખ્યાબંધ લોકો પણ રોજ લોકલ ટ્રેન હેઠળ કપાઇ જતા હતા. આમ છતાં લોકો જાનના જોખમે લોકલમાં પ્રવાસ કરતા હતા.
કેન્દ્રના રેલવે પ્રધાન પિયૂષ ગોયલે ટ્વીટર પર કરેલી ઔપચારિક જાહેરાત મુજબ પહેલી ફેબ્રુઆરીથી લોકલ ટ્રેનો આમ જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. જીવન જરૂરી સેવા આપનારા કર્મચારીઓ માટે નક્કી કરાયેલા સમય સિવાય આમ જનતા પણ લોકલમાં પ્રવાસ કરી શકશે.