સોલામાં ક્રિકેટ રમવા ગયેલા બે સગીર મિત્રો લાપત્તા
વ્યથિત બનેલા પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા ચોંકી ઉઠેલા પોલીસ અધિકારીઓએ તપાસ શરૂ કરી |
(પ્રતિનિધિ) અમદાવાદ : શહેરમાં અવારનવાર બાળકો ગુમ થવાની ઘટનાઓ બને છે. કેટલીક વખત ઘર પરિવારથી રીસાઈને બાળકો ટ્રેન કે બસમાં બેસીને ઘરેથી પરીવારને જાણ કર્યા વગર નીકળી જતાં હોય છે જે મોટેભાગે પરત મળી આવતા હોય છે બીજી તરફ શહેર તથા રાજયમાં એવી કેટલીક ગેંગો પણ સક્રીય છે જે બાળકોને ઉઠાવીને તેમની પાસે જબરદસ્તીથી ભીખ મંગાવવાનું કામ કરાવવાની પ્રવૃતિઓમાં ધકેલે છે અગાઉ આવા કેટલાંક બનાવો સામે આવ્યા છે
જેના પગલે માતા-પિતાને પોતાના બાળકોને એકલા મુકતા ડર રહેતો હોય છે આવી જ વધુ એક ઘટના સોલા પોલીસની હદમાં બની છે. એક જ સ્કુલમાં ભણતા બે સગીર બાળકો ઘરેથી ક્રિકેટ રમવા ગયા હતા જાકે મોડે સુધી પરત ન ફરતા પરીવારે બંનેની શોધખોળ આદરી હતી, છેવટ સુધી બંને બાળકોના સગડ ન મળતા વાલીઓએ સોલા પોલીસને આ અંગેની જાણ કરી હતી.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે મુળ બિહારના ઉપેન્દ્રભાઈ અસરફી ઠાકુર ગોતાના વંદે માતરમ આઈકોનમાં આવેલા પ્રાર્થના લીગન્સમાં પરીવાર સાથે રહે છે તેમને સંતાનમાં ત્રણ બાળકો છે જેમાં સૌથી મોટો દિકરો અંકીત (૧પ) ત્યારબાદ સુંધાશુ (૧ર) અને પ્રિન્સ (૯) છે સૌથી મોટો પુત્ર અંકીત મુક્ત પુષ્પાંજલી સ્કુલમાં ધોરણ ૯ માં અભ્યાસ કરે છે. અંકીતને શાળામાં અમીત બ્રીજમોહન શર્મા (ઉ.વ.૧૬) નામના સગીર સાથે મિત્રતા હતી છેલ્લા છ માસથી અમીત તેમના ઘરે આવ- જા કરતો હોવાથી ઉપેન્દ્રભાઈ તેને ઓળખતા હતા.
બે દિવસ અગાઉ બપોરના સુમારે અમિત અને અંકીત બંને જગતપુર ફાટકની બાજુના મેદાનમાં ક્રિકેટ રમવા જવાનું કહીને નીકળ્યા હતા. જાકે મોડી સાંજ સુધી અંકીત પરત ન ફરતા તેની માતાએ પિતા ઉપેન્દ્રભાઈને આ અંગે જાણ કરતાં તે તાબડતોબ ઘરે આવી પહોચ્યા હતા અને જગતપુર ફાટક નજીક અંકીતને શોધવા ગયા હતા જાકે ત્યાં તે મળી આવ્યો ન હતો. બાદમાં ઉપેન્દ્રભાઈ તથા પરીવારના સભ્યો સોસાયટીના અન્ય બાળકો સાથે વાતચીત કરતા તે પણ અજાણ હોવાનું કહયું હતું.
બાદમાં ઉપેન્દ્રભાઈએ અમિતના ઘરે તપાસ કરતાં અમિત પણ ઘરેથી ગુમ હોવાનો તથા પરીવારજનો તેને પણ શોધી રહયા હોવાની જાણ થઈ હતી. બંને સગીર વયના બાળકો અચાનક ગુમ થતાં બંને પરીવારો ચિંતામાં મુકાયા હતા અને પરીવારની સાથે પાડોશીઓ પણ બંને છોકરાઓને શોધવામાં જાડાયા હતા. ઠેરઠેર બંનેની તપાસ કરવા છતાં બપોરે ક્રિકેટ રમવા ગયેલા બાળકો મોડી રાત સુધી મળી ન આવતાં ઉપેન્દ્રભાઈએ સોલા પોલીસ સ્ટેશનમા અંકીત તથા અમિતના ગુમ થવાની ફરીયાદ દાખલ કરી હતી.
એક સાથે બે મિત્રો ગુમ થવાની જાણ થતાં સોલા પોલીસ પણ ચોંકી હતી અને તુરંત જ બંને મિત્રોને શોધવા તજવીજ હાથ ધરી હતી પોલીસે અંકિતના મિત્રો અન્ય લાગતા વળગતા લોકોની પુછપરછ કરીને માહીતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો ઉપરાંત બંને મિત્રો ગયા ત્યારના સીસીટીવી કુટેજ મેળવવા પણ તજવીજ હાથ ધરી હતી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સોલા પોલીસના પીઆઈ પોતે આ અંગે તપાસ ચલાવી રહયા છે. જાકે બે દિવસ થવા આવ્યા છતાં અમિત કે અંકિત બંનેમાંથી કોઈની ભાળ ન મળતાં પરિવારજનો પર આભ તુટી પડયું છે.