સોલામાં જામીન પર છુટેલા આવારા શખ્સે યુવતીના ભાઈ પર હુમલો કર્યાે
નારોલમાં ભાઈનાં મિત્રએ પ્રેમ સંબંધ બાંધવા દબાણ કર્યુઃ યુવતીએ ઈન્કાર કરતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી
(પ્રતિનિધિ)અમદાવાદ, મહિલાઓ માટે સુરક્ષીત ગણાતાં અમદાવાદ શહેરમાં છેડતીની ફરીયાદો સતત વધી રહી છે. ત્યારે સોલામાં એક યુવતીને એસિડ નાંખી ચહેરો બગાડવાની ધમકી આપતાં શખ્સને ઠપકો આપવા જતાં યુવતીનાં ભાઈ સાથે મારા મારીનો બનાવ બન્યો છે. જ્યારે નારોલમાં ભાઈનાં જ મિત્રએ યુવતીનો તેનાં ઘરમાં હાથ પકડી છેડતી કર્યા બાદ બિભત્સ માંગણી કર્યાની ફરીયાદ નોંધાઈ છે.
સોલા વિસ્તારમાં બનેલી ઘટનાની વિગત એમ છે કે ગોતા હાઉસીંગ નજીક આવેલ એક સોસાયટીમાં રહેતી દિવ્યાબેન ચુડાસમાને મહાશક્તિ ચોક ખાતે રહેતાં રવી ગુલાબસિંહ વાઘેલા નામનો શખ્સ અવારનવાર છેડતી કરતો હતો. જેની ફરીયાદ તેમણે જાન્યુઆરી મહિનામાં કર્યા બાદ રવી હાલમાં જામીન ઉપર બહાર આવ્યો હતો. એ પછી પણ રવી અવારનવાર ભૂપતનો પીછો કરી અલગ અલગ નંબરો પરથી ફોન કરી મળવા આવ નહીં તો ઉઠાવી જઈશ અને હેદરાબાદમાં થયું છે તેવું કહીશ તથા મોઢા પર એસીડ ફેંકીશ તેવી ધમકીઓ આપતો હતો.
શનિવારે રાત્રે દિવ્યાબેન સોલા ખાતે નોકરીએ જવા નીકળતાં રવીએ તેમની પાસે આવી પોલીસ કેસ પરત લેવા દબાણ કર્યું હતું. જે અંગે ઈન્કાર કરતાં રવીએ ઊશ્કેરાઈને ‘મને ફરી પુરાવવો હોય તો પુરાવી દે’ તેવી વાત કરતાં દિવ્યાબેને વિડીયો ઊતારવાનું શરૂ કર્યું હતું. જેથી રવિએ ફોન ખેંચવાનો પ્રયત્ન કરતાં દિવ્યાબેને તેમનાં ભાઈ અક્ષયને જાણ કરતાં તે ઘટના સ્થળે આવી પહોંચતા રવિએ અક્ષયને લાફા ઝીંકી દીધા હતા અને ત્યાંથી ભાગવા લાગતાં અક્ષયે તેનો પીછો કર્યાે હતો.
આગળ જતાં રવિ અને તેનાં મિત્ર સનીએ ભેગાં મળી અક્ષયને ગડદાપાટુનો માર મારી જાનથી નાંખવાની ધમકીઓ આપી હતી. આ ઘટના બાદ અક્ષયે સોલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. જ્યારે નારોલ વિસ્તારમાં રહેતી એક યુવતી શિવાની (કાલ્પનિક નામ)એ ફરીયાદ નોંધાવી છે કે તેનાં સૌથી મોટા ભાઈનો મિત્ર વિકાસ સિંગ રામસીંગ ઠાકુર (ઉમંગ ફ્લેટ, રંગોલીનગરની સામે, નારોલ) અવારનવાર બહાના કરી તેનાં ઘરે આવતો હતો અને શિવાની સામે ખરાબ નજરે જાેતો હતો.
અને વારંવાર ફોન કરી પ્રેમસંબંધ રાખવા કહેતો હતો. અને બિભત્સ માંગણીઓ કરતો હતો. ઉપરાંત એક વખત ભાઈ ન હોવા છતાં વિકાસે ઘરે આવીને શિવાનીનો હાથ પણ પકડી લીધો હતો. જાે કે શિવાનીએ સંબંધ બાંધવાની ના પાડતાં વિકાસે તેને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતાં છેવટે તેણે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.