સોલામાં જાહેર રોડ ઉપર આવારા તત્ત્વોનો આતંક
સીમ્સ હોસ્પિટલમાં વિદ્યાર્થીની યુવક સાથે ઉભી હતી ત્યારે કારમાં
|
અમદાવાદ : અમદાવાદ શહેરમાં યુવતીઓની છેડતીની ઘટનાઓમાં પોલીસ આરોપીઓને ઝડપી લેવામાં માટે પ્રયાસો કરતી હોય છે. તેમ છતાં આવી ઘટનાઓ અવિરતપણે બનતાં યુવતીઓમાં ફફડાટ ફેલાયેલો છે. ગઈકાલે તબીબે ફરી વખત મહિલા તબીબને ધમકી આપવાની ઘટનામાં તપાસ ચાલુ છે ત્યાં જ સોલા વિસ્તારમાં યુવક સાથે ઉભેલી યુવતીને કારમાં આવેલાં શખ્સોએ ખુલ્લેઆમ છેડતી કરી ધાકધમકી આપતાં સનસનાટી મચી ગઈ છે.
આવારા તત્ત્વો છેડતીના પગલે યુવતીએ બુમાબુમ કરી મુક્તાં આસપાસનાં લોકો દોડી આવ્યાં હતાં. પરંતુ ભારે હોબાળો મચી જતાં કારમાં આવેલાં શખ્સો ભાગી છૂટ્યાં હતાં. ચોંકાવનારી બાબત એ છે કે ચારે શખ્સોએ યુવતી સાથે ઉભેલા યુવકને પણ ઢોર માર માર્યાે હતો. ગંભીર એવી આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતાં અને સમગ્ર વિસ્તારનાં સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીઓને ઝડપી લેવાનો આદેશ આપ્યો છે. જેનાં પગલે સોલા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ અંગેની વિગત એવી છે કે સોલા વિસ્તારમાં પંચમુખી હનુમાન મંદિર પાસે આવેલી સીમ્સ હોસ્પિટલમાં હોસ્ટેલમાં રહેતી તારાબેન વિનોદભાઈ પટેલ નામની યુવતી રાત્રીના ૧૦ વાગ્યાનાં સુમારે તેના મિત્ર સાથે સોલા ગામ તરફ થવાના રસ્તા પર અષ્ટમંગલ મંદિર પાસે ઉભી હતી. બંને જણા વાતચીત કરતાં હતાં આ દરમ્યાનમાં અચાનક જ એક કાર તેમની નજીક આવી હતી તારાબેન તથા યુવક કશુ સમજે તે પહેલાં જ કારમાંથી ચાર જેટલાં શખ્સો નીચે ઉતર્યા હતાં અને યુવતી સાથે છેડછાડ શરૂ કરી હતી.
તારાબેન સાથે ઉભેલા યુવકે એનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતાં જ ઉશ્કેરાયેલા ચારેય શખ્સોએ આ યુવકને ઘેરી લઈ તેને ઢોર માર માર્યાે હતો. આ દરમ્યાનમાં યુવતીએ બૂમાબૂમ કરી મુકી હતી. જેના પરિણામે આસપાસના લોકો દોડી આવ્યા હતાં. લોકોનું ટોળું આવી પહોંચતાં જ આ ચારેય શખ્સો કારમાં બેસીને પલાયન થઇ ગયા હતાં.
ખુલ્લેઆમ રસ્તા ઉપર ઉભેલી યુવતીની છેડતી કરવાની ગંભીર એવી આ ઘટનાથી યુવતીની માનસિક સ્થિતિ ખૂબ જ કથળી ગઈ હતી અને તે રડવા લાગી હતી. બીજીબાજુ એકત્ર થયેલાં ટોળાંએ યુવકને બેઠો કર્યાે હતો. અને સમગ્ર ઘટનાની જાણ સોલા પોલીસને કરવામાં આવી હતી.