સોલામાં વ્યાજખોરોએ માતા-પત્નીને ઉપાડી જવાની ધમકી આપતાં વેપારીએ પોલીસ ફરીયાદ કરી
અમદાવાદ: શહેરમાં કેટલાંક સમયથી વ્યાજખોરો વિરૂદ્ધ પોલીસે સઘન કાર્યવાહી કરી હોવા છતાં મજબુર નાગરીકોને ફસાવીને તેમની પાસેથી ઊંચુ વ્યાજ વસુલ કરતાં અનેક વ્યાજ લાલચું શખ્સો સક્રિય છે. તેમનાં કારણે દબાણમાં આવી જતાં કેટલાંયે વેપારીઓ દ્વારા મોતને વહાલું કરવાની પણ ઘટનાઓ બહાર આવી છતાં પણ વ્યાજખોરોનાં ગેરકાયદેસર ધંધા બંધ થતાં નથી.
આ સ્થિતિ પર સોલા તથા ઘાટલોડીયામાં વ્યાજખોરો વિરૂદ્ધ ફરીયાદ નોંધાઈ છે. થલતેજ નજીક દિવ્ય ઓટો નામે વાહનોનો ધંધો કરતાં દિશાંકભાઈ શાહે સોલા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે તેમણે કેટલાંક સમય અગાઊ ધર્મેશ પ્રજાપતિ (ઘાટલોડીયા) નામનાં શખ્સ પાસેથી વ્યાજે રૂપિયા ૧ કરોડ લીધા હતા. જેના બદલામાં તેમણે પાંચ કરોડ જેટલાં ચુકવી આપ્યા હતાં.
તેમ છતાં વ્યાજખોર ધર્મેશે હજુ પણ બે કરોડ આપવા પડશે. તેમ જણાવી તેમને માનસિક રીતે હેરાન પરેશાન કરી માતા તથા પત્નીને ઊપાડી જવાની ધમકીઓ આપતો હતો. ધર્મેશે દિશાંક ભાઈનું અપહરણ કરીને જબરદસ્તી ચેકબુકો, કોરા પ્રોમીસરી નોટ, રેવન્યુ સ્ટેમ્પ વગેરે પર સહીઓ પણ લઈ લેતાં માનસિક રીતે પડી ભાંગેલાં દીશાંકભાઈએ ધર્મેશ અને તેનાં સાગરીતો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે.
બીજી તરફ મેમનગર કલરવ ફ્લેટ ખાતે રહેતાં સાવનભાઈ મહેતાએ પણ ફરીયાદ નોંધાવી છે કે તેમનાં મિત્ર નરેશ પટેલ પાસેથી તેમણે દિકરીનાં ઇલાજ માટે કુલ રૂપિયા બે લાખ લીધા હતા. જે તેમણે જે-તે સમયે ટુકડે ટુકડે પરત આપી દીધા હતાં. બાદમાં મિત્ર નરેશે તેમને ૧૫ ટકા વ્યાજે રૂપિયા હોવાનું કહેતાં સાવનભાઈનાં પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
નરેશે ૪૧ લાખ રૂપિયાની માંગણી કરી હતી. અને વારંવાર તેમનાં ઘરે આવીને ધમકીઓ આપી જતાં સાવનભાઈએ નરેશ પટેલ અને તેની પત્ની વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતાં ઘાટલોડીયા પોલીસ સક્રિય થઈ છે.