Western Times News

Gujarati News

સોલા પોલીસ સ્ટેશનમાં નશામાં ધુત પોલીસ અધિકારીએ જ હુમલો કર્યો

ભાડજ સર્કલ પાસે નશામાં ધુત ધાંધલ ધમાલ કરતા પોલીસ અધિકારીને પકડવા ગયેલી સોલા પોલીસની ટીમ સાથે ગાળાગાળી કરી પોલીસ સ્ટેશનમાં લેપટોપ તોડી નાંખ્યું

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં દારૂ જુગારની બદીને ડામી દેવા માટે પોલીસતંત્ર હાઈએલર્ટ પર છે બુટલેગરો પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે શહેરના સોલા પોલીસ સ્ટેશન હેઠળના ભાડજ સર્કલ પાસે એક શખ્સ દારૂ પીને નશાની હાલતમાં ગાળાગાળી કરતો હતો જેના પરિણામે સ્થાનિક નાગરિકોએ આ અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરી હતી ત્યારબાદ પોલીસ કંટ્રોલમાંથી સોલા પોલીસને જાણ કરવામાં આવી હતી સોલા પોલીસ દ્વારા ગઈકાલે કોમ્બીંગ રાખવામાં આવ્યુ હતું જેથી પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો

આ દરમિયાનમાં કંટ્રોલ રૂમમાંથી માહિતી મળતા જ સેકન્ડ પીઆઈ ગઢવી તાત્કાલિક ભાડજ સર્કલ પહોંચી ગયા હતા ત્યારે આ શખ્સે પોલીસ અધિકારીઓને પણ ગાળાગાળી કરતા સતર્ક બનેલી પોલીસ ટીમે તેમને બળજબરી પૂર્વક સોલા પોલીસ સ્ટેશને લાવ્યા હતા પરંતુ ઉશ્કેરાયેલા આ શખ્સે પોલીસ સ્ટેશનમાં ભારે ધાધલ ધમાલ કરી પોલીસ જવાનો પર હુમલો કર્યો હતો અને પીઆઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી


અંદાજે ૧ કલાકથી વધુ સમય આ શખ્સે પોલીસ સ્ટેશનમાં ભારે હંગામો મચાવ્યો હતો અને પોલીસ સ્ટેશનનું લેપટોપ પણ તોડી પાડયું હતું નશામાં ધુત આ શખ્સ પોતે પોલીસ અધિકારી હોવાનું જણાવતો હતો અને ભાવનગરમાં ફરજ બજાવે છે તપાસ કરતા તે ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાનું બહાર આવ્યું હતું આમ પોલીસ અધિકારીએ જ નશામાં ધુત બની હુમલો તથા ધમકી આપતા તેમની વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે સોલા પોલીસ સ્ટેશન દ્વારા ગઈકાલે કોમ્બીંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું જેના પગલે સમગ્ર સ્ટાફ સતત પેટ્રોલીંગમાં હતો આ દરમિયાનમાં ભાડજ સર્કલ પાસે ઓનેસ્ટ ભાજીપાઉ નજીક એક શખ્સ નશામાં ધુત બનીને ગાળાગાળી કરતો હતો પોલીસ કંટ્રોલે આ અંગેની જાણ સોલા પોલીસને કરી હતી ઘટનાની જાણ થતાં સોલા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ ગઢવી પોલીસ સ્ટાફ સાથે પહોંચી ગયા હતાં. પોલીસને જાતા જ આ શખ્સ વધુ ઉશ્કેરાયો હતો અને સેકન્ડ પીઆઈ ગઢવી સહિત આવી પહોંચેલા પોલીસ જવાનો સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો. પોતે પોલીસ અધિકારી હોવાનું જણાવી રોફ જમાવતો હતો પરંતુ પરિસ્થિતિ  વણસતા આખરે બળજબરીપૂર્વક આ શખ્સને પોલીસ જીપમાં બેસાડી સોલા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.


ઘટનાની જાણ થતાં સોલા પોલીસ સ્ટેશનના ફસ્ટ પીઆઈ જાડેજા પણ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતાં. પોલીસ સ્ટેશનમાં પહોંચતાની સાથે જ આ શખ્સે ફરી ધાંધલ ધમાલ કરવાનું શરૂ કર્યું હતું અને પોલીસ સ્ટેશનમાં હાજર તમામ સ્ટાફને ગાળો બોલવા લાગ્યા હતાં જેમાં કેટલીક મહિલા કોન્સ્ટેબલો પણ સામેલ હતી. દારૂના નશામાં આ શખ્સને પુછવામાં આવતા તેણે પોતાનું નામ એમએચ યાદવ હોવાનું જણાવ્યું હતું અને તે પોતે ભાવનગરમાં આવેલા ભરતનગર પોલીસ સ્ટેશનમાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે અને હાલમાં રજા પર હોવાથી તે પોતાના ઘરે ગાંધીનગરના સરગાસણ ગામે આવેલા છે.

પીઆઈ જાડેજાએ પુછપરછ કરતા તે વધુ ઉશ્કેરાયો હતો અને ગાળો બોલવા લાગ્યા હતા એટલું જ નહી પરંતુ તેણે હુમલો કરી ત્રણ કોન્સ્ટેબલોને ઈજા પહોચાડી હતી અને માર માર્યો હતો જેના પગલે આખરે પોલીસ સ્ટાફે બળપૂર્વક તેમને પકડી લીધા હતા આ દરમિયાનમાં તેમણે ઈન્વેસ્ટીગેશન ઓફિસમાં પહોંચી જઈ લેપટોપને ફેટ મારતા તે તૂટી ગયું હતું. આમ પોલીસ સ્ટેશનમાં જ એક પોલીસ અધિકારીએ ગાળાગાળી કરી હુમલો કરતા ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં.

પોલીસ સ્ટેશનમાં ઉપસ્થિત  બંને પીઆઈ તથા પીએસઆઈને જાઈ લેવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ ચોંકી ઉઠેલા પોલીસ અધિકારીઓ પણ સતર્ક બન્યા હતાં તપાસ કરતા દારૂ પીને તોફાન મચાવનાર એમ.એચ.યાદવ ભાવનગરમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી રહયા છે અને તેમને કદાચ ઈન્ચાર્જ પીઆઈ બનાવ્યા હોવાનું જાણવા મળી રહયું છે. પોલીસ ઉપર જ પોલીસ અધિકારી દ્વારા હુમલાની આ ઘટનાથી તેમની ઉપર કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો
હતો.

સોલા પોલીસ સ્ટેશનમાં એમ.એચ. યાદવ વિરૂધ્ધ કુલ ર ફરિયાદો દાખલ કરવામાં આવી છે. દારૂ પીને તોફાન કરતા એમ.એચ. યાદવનું મેડિકલ ટેસ્ટ કરવાની તૈયારીઓ શરૂ કરતા તેઓ વધુ ઉશ્કેરાયા હતા અને તેમણે સમગ્ર પોલીસ સ્ટેશનમાં ધાંધલ ધમાલ કરી હતી. આ અંગે સોલા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.