સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો
અમદાવાદ, અમદાવાદ સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે તા. 12 ઓગષ્ટ, 2020 ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી વર્તમાન સમયમાં કોરોના રોગચાળાને અનુલક્ષીને વૈષ્ણવો-ભક્તો માટે ઓનલાઈન કરવામાં આવી હતી. જન્માષ્ટમીના દિવસ દરમ્યાન પંચામૃત સ્નાન, મહાભિષેક, હિંડોળા (ઝૂલન) ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો, વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું.
સોલા ભાગવત વિદ્યાપીઠ પરિવારના અધ્યક્ષ શ્રી ભાગવત ઋષિએ જણાવ્યું હતું કે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પર્વનું આપણી સંસ્કૃતિમાં અનેરુ મહાત્મય છે, પણ હાલના પ્રવર્તમાન કોરોના રોગચાળાને અનુલક્ષીને વૈષ્ણવો-ભક્તો માટે આ વર્ષે ઓનલાઈન માધ્યમ દ્વારા કૃષ્ણ જન્મોત્સવના દર્શનનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.
તેમની અનુકુળતા અર્થે ભાગવત વિદ્યાપીઠ મંદિર દ્વારા દિવસ દરમ્યાન યોજાયેલા બધા જ કાર્યક્રમોનું યુટયુબ અને ફેસબુક દ્વારા ઓનલાઈન પ્રસારણ કરવામાં આવ્યું હતું. ઓનલાઈન દર્શન સવારના 7 વાગ્યાથી શરૂ થયાં હતાં અને મધ્યરાત્રીના 1 વાગે બંધ થયા હતાં.
ભગવાનશ્રીની પ્રસન્નાર્થે ખ્યાતનામ કિર્તનકાર શ્રી બીરેનભાઈ તથા તેમની ટીમ દ્વારા ઠાકોરજીના કીર્તન કરવામાં આવ્યા હતા. તારીખ 13 ઓગસ્ટના રોજ નંદોત્સવ મંદિરમાં ઉજવવામાં આવ્યો હતો.