સોલા રોડ પર ખંડણીખોરોનો આંતક
વહેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવવાનું વ્યવસ્થિત ષડયંત્ર : ખંડણી નહી આપનાર વહેપારી પર હુમલા કરી દુકાનમાં લૂંટફાટ : વહેપારીએ હિંમત દાખવી આખરે ખંડણીખોરો સામે ફરિયાદ નોંધાવતા ઘાટલોડિયા પોલીસે શરૂ કરેલી તપાસ |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં વકરેલી ગુનાખોરીના કારણે નાગરિકો અસલામતીની લાગણી અનુભવી રહયા છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતા અસામાજિક તત્વોને મોકળુ મેદાન મળી ગયુ છે શહેરમાં વહેપારીઓ પાસેથી અસામાજીક તત્વો ખુલ્લેઆમ ખંડણી ઉઘરાવતા હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે શહેરના સોલા રોડ પર એક ટોળકી દ્વારા સ્થાનિક વહેપારીઓને ધાકધમકી આપી ખુલ્લેઆમ ખંડણી ઉઘરાવવામાં આવે છે અને જા કોઈ વહેપારી ખંડણી આપવાની ના પાડે તો તેના ઉપર સશ† હુમલો કરવામાં આવે છે
પારસનગર પાસે એક વહેપારીએ ખંડણી આપવાનો ઈન્કાર કરતા ખંડણીખોર ટોળકીએ દુકાનમાં લુંટફાટ કરવા ઉપરાંત તેના ઘર ઉપર પણ પથ્થરમારો કરતા આખરે વહેપારીએ ફરિયાદ નોંધાવતા ઘાટલોડિયા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના ઘાટલોડિયા પોલીસ સ્ટેશન હેઠળના સોલા રોડ પર આવેલા પારસનગર નજીકના કર્ણાવતી એપાર્ટમેન્ટમાં પણ એક ખંડણીખોર ટોળકીનો આંતક દિવસેને દિવસે વધવા લાગ્યો હતો ભાવેશ ભેરૂજી રાજપુરોહિત તથા તેનો ભાઈ મહેન્દ્ર ભેરૂજી રાજપુરોહિતે તેના સાગરિતો સાથે ગેંગ બનાવી હતી અને પોતાની પાસે તીક્ષ્ણ હથિયારો રાખતા હતા જેના કારણે સ્થાનિક નાગરિકો સતત આ ટોળકીથી ફફડતા હતાં ભાવેશ, મહેન્દ્ર અને તેના સાગરિતો આ વિસ્તારમાં દુકાનદારો પાસેથી ખુલ્લેઆમ ખંડણી વસુલતા હતા.
આ દરમિયાનમાં કર્ણાવતી એપાર્ટમેન્ટમાં આવેલી એક દુકાનમાં છેલ્લા ઘણા સમયથી આ ટોળકી ખંડણી ઉઘરાવતી હતી પરંતુ વહેપારી જીતેન્દ્ર પ્રજાપતિ તથા તેનો કર્મચારી લાલસીંગ રાઠોડ ખંડણી આપવાનો ઈન્કાર કરતા હતા જેના પરિણામે થોડા સમય પહેલા આ ખંડણીખોર ટોળકીએ દુકાનમાં ઘુસી જઈ લુંટ કરી હતી અને લાલસિંગ ઉપર હુમલો પણ કર્યો હતો ગલ્લામાં પડેલા રૂપિયા ૩ હજાર ઉપરાંતની રકમ લુંટી લીધી હતી.
આ ઘટના બાદ આ ખંડણીખોર ટોળકી નિયમિત રીતે જીતેન્દ્ર પ્રજાપતિ અને તેના કર્મચારી લાલસિંગ પાસે ખંડણીની માંગણી કરતા હતા અને ખંડણી ન આપે તો દુકાનમાં લુંટફાટ કરતા હતા કેટલીકવાર ભાવેશ અને તેના સાગરિતો તીક્ષ્ણ હથિયારો સાથે દુકાનોમાં ઘુસી જતા હતા અને ખુલ્લેઆમ લુંટફાટ કરતા હતા એટલું જ નહીં પરંતુ દુકાનમાંથી જાઈએ તે માલસામાન પૈસા આપ્યા વગર જ લુંટી લેતા હતા.
જેના પરિણામે સ્થાનિક દુકાનદારો ત્રાહિમામ પોકારી ગયા હતાં આ દરમિયાનમાં જીતેન્દ્ર પ્રજાપતિ અને તેનો કર્મચારી લાલસિગ ભાવેશની માતાને મળવા ગયા હતાં ભાવેશ પણ કર્ણાવતી એપાર્ટમેન્ટમાં રહેતો હોવાથી તેની માતાને આ લોકો ઓળખતા હતા અને તેની માતા પાસે જઈ સમગ્ર હકીકત જણાવી હતી પુત્રના કરતુતથી માતા પણ ખૂબ જ વ્યથિત હતી અને તેણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હું તેને સમજાવી અને હવે પછી આવુ ન કરે અને જા આ પ્રવૃતિ ચાલુ રાખે તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા પણ જણાવ્યું હતું.
માતાને મળવા ગયેલા વહેપારી અને તેના નોકરની જાણ થઈ જતાં ભાવેશ અને તેના સાગરિતો વધુ ઉશ્કેરાયા હતા અને દુકાનમાં જઈ તોડફોડ કરી હતી આ ઉપરાંત જીતેન્દ્ર પ્રજાપતિના ઘર પર પથ્થરમારો પણ કર્યો હતો જેના પરિણામે ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ખંડણીખોર ટોળકીના હુમલાથી સ્થાનિક નાગરિકો ફફડી ઉઠયા હતા.
આ ઘટના બાદ પણ આ ટોળકી અવારનવાર વહેપારીઓ પાસેથી ખંડણીઓ ઉઘરાવવાનું ચાલુ રાખતા આખરે જીતેન્દ્ર પ્રજાપતિના કર્મચારી લાલસિંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશને પહોંચી જઈ ખંડણીખોર ભાવેશ તથા મહેન્દ્ર અને તેમના સાગરિતો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં.
પારસનગર રોડ પર ખંડણી ઉઘરાવવાના ચાલતા આ ષડયંત્રથી ચોંકી ઉઠેલા અધિકારીઓ સતર્ક બન્યા હતાં જાકે છેલ્લા ઘણા સમયથી આ ટોળકીનો આંતક છવાયેલો છે ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક આરોપીઓને ઝડપી લેવાનો આદેશ આપતા સ્થાનિક પોલીસ હરકતમાં આવી ગઈ છે અને તમામ આરોપીઓને ઝડપી લેવા માટે જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે. આરોપીઓ માથાભારે હોવાથી વધુ હુમલા કરવાની દહેશતથી નાગરિકો પણ ફફડી રહયા છે. આરોપીઓને તાત્કાલિક ઝડપી લઈ તેઓની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.